ધસમસતી શેત્રુંજીઃ ૧૬ કલાકમાં પાણીની સપાટી આટલી વધી
ભાવનગરઃ શહેરની જીવાદોરી અને સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય શેત્રુંજી ડેમમાં ચાલુ સિઝનમાં ત્રીજી વખત નવા નીરની આવક થઈ છે. ગઈકાલે રાત્રે આઠ વાગે પાણીની આવક શરૂ થઈ હતી. જે ધીમે ધીમે વધીને એક તબક્કે ૩૪ હજાર ક્યુસેક નોંધાઈ હતી. જો કે આજે બપોરે આ આવક ક્રમશ ઘટી રહી છે. પરંતુ ૧૬ કલાકના અંતે સપાટીમાં બે ફૂટનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : બુલેટટ્રેન સરસરાટઃ આ મહત્વનું કામ થયું પૂરું
પાલીતાણાના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ધીંગી મેઘમહેર થતા ગત રાત્રે આઠ વાગ્યાથી નવા નીરની આવક ફરી શરૂ થઈ હતી. શરૂઆતમાં ૮૦૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જે દર કલાકે વધતી ગઈ હતી અને આજે સવારે આઠ વાગે આવક ૩૪૧૧૦ ક્યુસેક પર પહોચી હતી. બાદમાં ૧૨ વાગ્યાથી આવકમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે તેમ છતાં ધીમી ધારે પાણીની આવક યથવાત રહી છે દરમિયાનમાં સપાટી વધીને ૧૯.૦૬ ફુટ થઈ છે. ઉલ્લેખનીય છે કે ગતરાત્રે સપાટી ૧૭.૦૬ ફુટ હતી. આમ ૧૬ કલાકના અંતે શેત્રુંજી ડેમમાં સપાટી બે ફૂટ વધી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય ગણાતા શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરને ૩૬૫ દિવસ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે જ્યારે ડાબા તથા જમણા કાંઠાની નહેર મારફત ખેતીની લાખો હેકટર જમીનને પિયતનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. આમ ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સપાટી સડસડાટ વધતા ગોહિલવાડવાસીઓમાં આનંદ જાવા મળી રહ્યો છે.