શેત્રુંજય તિર્થસ્થાનઃ તળેટીની જમીન પર દબાણ કરનારની અરજી હાઈકાર્ટે ફગાવી
ભાવનગર: પાલિતાણા તિર્થના શેત્રુંજય પર્વતની તળેટીની બાજુમાં આવેલી વિવાદિત સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ – 2020 હેઠળ ભાવનગર કલેક્ટોરેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી વિરુદ્ધ મનાભાઈ રાઠોડ અને ધર્મેશભાઈ રાઠોડ તરફથી એક રિટ પિટિશન કરવામાં આવી હતી. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને દબાણ કરનારાઓને કોઈપણ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, આ જમીન સરકારી છે અને તેના પર કબ્જો કરવા માટે અરજદારો કોઈ પણ પ્રકારે હકદાર બનતા નથી, અરજદારોની અરજી મેરીટ વિનાની અને ટકવાપાત્ર ન હોવાથી તેને ફગાવી દેવામાં આવી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
પાલિતાણા શેત્રુંજય પર્વત હેઠળ જય તળેટીની બાજુમાં આવેલી આશરે 1100 ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે રીતે પાકું મકાન બનાવી દબાણ કર્યું હોવા છતા પણ સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં થતાં અમદાવાદનાં એક જૈન શ્રાવક દ્વારા ભાવનગર કલેક્ટર કચેરીમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ કાયદો – 2020 હેઠળ તમામ ફોટોગ્રાફ્સ, ગુગલ અર્થ નકશા, ડીઆઈએલઆર રેકોર્ડ સહિતની ગંભીર ફરિયાદ કરી હતી. જેની તપાસમાં પાલિતાણા મામલતદાર દ્વારા ઉપરોક્ત શ્ખ્શો દ્વારા આ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનો અહેવાલ આપ્યો હતો. જેથી સત્તા વાળાઓ દ્વારા મનાભાઈ રાઠોડ અને ધર્મેશભાઈ રાઠોડને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.