“જય આદિનાથ” શેત્રુંજય પર્વત પર આવતીકાલથી શરૂ થશે ગિરિરાજ યાત્રા
પાલિતાણા: ચોમાસાના ચાર માસ એટલે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ કારતક સુદ પૂર્ણિમાથી તીર્થક્ષેત્ર પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થશે. ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી શત્રુંજય તીર્થની યાત્રા ફરી શરૂ થશે. ડુંગર ખૂલતાંની સાથે જ 20000થી વધુ શ્રાવક, શ્રાવિકા અને 1000થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો યાત્રાનો આરંભ કરશે.
વિશેષ વ્યવસ્થા:
આવતીકાલથી શેત્રુંજ્ય પર્વત પર શરૂ થનારી કારતકી પૂર્ણિમાની યાત્રાને લઇને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા ડુંગર તળેટીથી લઇને આદિનાથ દાદાના દરબાર સુધી જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરી છે. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા યાત્રિકો માટે કાચા પાણી, પાકુ પાણી, મેડીકલ કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તળેટીથી થશે શરૂઆત:
પ્રાતઃ સવારથી આદિનાથ દાદાની જયના નારા સાથે તળેટીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રામાં જૈન આચાર્ય-ભગવંતો, સાધુ-સાધ્વીજી મ.સા., ચાતુર્માસ કરેલા આરાધકો તેમજ સમગ્ર ગુજરાત અને દેશભરથી આવેલા મોટી સંખ્યામાં યાત્રિકો જોડાશે. ફેબ્રુઆરી સુધીમાં પાલીતાણામાં 70થી વધુ સંઘો આવશે. આ વર્ષે 8 થી વધુ જગ્યાએ 99 યાત્રાનો પ્રારંભ કાલથી થનાર છે.
આ પણ વાંચો :અંજારના સિનુગ્રા ગામમાં રહેણાંક મકાનમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, રૂ. ૧.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત
શું છે ધાર્મિક માન્યતા:
આ જ દિવસે દ્રાવિડ અને વારિખીલ્લજી દસ કરોડ મુનિઓ સાથે શેત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. તેથી તેનું અનેરુ મહત્વ છે. તેમજ આદિશ્વરદાદા શત્રુંજય ગિરિરાજ ઉપર નવ્વાણુ વાર પધાર્યા હતા તેથી નવ્વાણુ યાત્રાનું પણ અનેરુ મહત્વ છે. તદઉપરાંત જૈન સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ પુર્ણ થતા ઠાણા ઓઠાણ એટલે કે, એક સ્થાનેથી બીજા સ્થાને વિહાર કરશે. ચાર માસથી એક જ સ્થળે રહેેલ સાધુ, સાધ્વીજી ભગવંતો અન્ય સ્થળે વિહાર શરૂ કરશે.