કચ્છ પર શીતલહેરનો પ્રકોપ બરકરાર નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ કચ્છમાં ઊભી થયેલી આંશિક કોલ્ડવેવની પરિસ્થિતિ યથાવત્ રહી છે અને હજુ પણ ઠંડીમાં નોંધપાત્ર રાહત મળવાના કોઈ આસાર જણાઈ રહ્યા નથી. હૂંફાળા વાતાવરણ વચ્ચે અચાનક ઠંડીની ગિરફ્તમાં આવી ચૂકેલા કચ્છના કાશ્મીર ગણાતાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૮ ડિગ્રી સેલ્સિયસ પર અટકતાં નલિયા શહેરે જાણે થીજી જવાનું શરૂ કર્યું છે અને ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઠંડું મથક બનવા પામ્યું છે. જિલ્લા મથક ભુજમાં આજે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ પર જયારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી પર પહોંચ્યો છે અને દિવસભર લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.
અધૂરામાં પૂરું સતત ઉત્તર દિશાએથી વાઈ રહેલા ઠંડા હિમપવનોએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ ઠંડી પડી રહી છે અને લોકોને સતત ગરમ વોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે. વસંતના વધામણાં સમા ફ્રેશ સ્નોફોલની અસર હેઠળ રાજ્યભરમાં આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીની વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ઠંડી-ગરમી અને ભેજભર્યા માહોલને લીધે કચ્છના પચ્છમ વિસ્તારના ઉત્તરાદી પટ્ટીનાં કુરન, સુમરાપોર, કોટડા સહિતના રણ કિનારાના ખેતરોમાં સેંકડો એકરમાં વિકસેલા એરંડાના પાકમાં નુકશાન થઇ રહ્યું છે. આ ઉપરાંત વાગડ પંથકના ડાવરી,ખેંગારપર સહિતના ગ્રામ્ય પંથકોનાં ખેતરોમાં રાયડો,જીરું, સૂકી જુવારના પાક પર ઝાકળ જામી જતાં તેમાં પણ વ્યાપક નુકશાની થઇ હોવાના ચિંતાજનક વાવડ મળી રહ્યા છે.