મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શસ્ત્ર પૂજા : આસુરી શક્તિ પર દૈવી શક્તિનું પૂજન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કરીને શસ્ત્ર અને શાસ્ત્ર રક્ષાનું મહાત્મ્ય ઉજાગર કર્યું હતું.
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક સમાન દશેરા વિજ્યા દશમી તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિ માં સદીઓથી પરંપરા રહેલી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પરંપરા અનુસાર મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પોતાના સુરક્ષા-સલામતી રક્ષકોના શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ થી કર્યું હતું.
તેમણે સુરક્ષા કર્મીઓને વિજયાદશમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓને પ્રેરણા આપતા ફરજ, કર્તવ્યભાવના સાથે કર્મબંધન જોડાયેલું છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
તેમણે કહ્યું કે રક્ષા-સુરક્ષાનું દાયિત્વ નિભાવવા સાથો સાથ સંવેદના,કરુણા અને સતક્રમો થકી મોક્ષ પ્રાપ્તિનો વિચાર પણ રાખીને કર્તવ્યરત રહીએ તે જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા ભાવના છે.
મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સુરક્ષા કર્મીઓના વડા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા એ મુખ્યમંત્રીને શસ્ત્ર પૂજન અવસરે આવકાર્યા હતા.
મુખ્યમંત્રી સુરક્ષા-સલામતી વ્યવસ્થાના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, તેમજ પી.એસ.આઇ. અને કમાન્ડોઝ તેમજ વાહન ચાલકો વગેરે આ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજનની આ પ્રણાલી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં શરૂ કરાવેલી છે.