આપણું ગુજરાત

વાપી ભાજપના નેતાની હત્યાના શાર્પશૂટરની ઉત્તર પ્રદેશથી ધરપકડ

અમદાવાદ: વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના બહુચર્ચિત કેસમાં પોલીસને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના મુખ્ય શાર્પશૂટર અજય ઉર્ફે ગુડ્ડુ સતિરામ યાદવની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ બે અન્ય શાર્પ શૂટર્સ સાથે મળીને અંદાજે 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલની હત્યાને અંજામ આપ્યો હતો.

મે 2023માં થઈ હતી હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર ગત 8મી મે 2023ના રોજ વાપીના રાતા કોપરલી રોડ પર રાતા શિવ મંદિરની સામે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પર ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સહિત પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા તે સમયે ત્રણ ઈસમો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતાં.

એક શાર્પ શૂટર પોલીસ પકડથી હતો દૂર
હત્યાના આ ચકચારી બનાવ બાદ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાઓ જાગી હતી અને સ્થાનિક રાજકારણ પણ ગરમાયું હતું. ફરિયાદ નોંધીને વલસાડ જિલ્લા પોલીસે મૃતક શૈલેષ પટેલની હત્યાનું કાવતરું રચનાર અને આ હત્યાના માસ્ટર માઇન્ડ શરદ પટેલ સહિત 8 ઈસમોની ધરપકડ કરી હતી. આ હત્યાના મુખ્ય ત્રણ શાર્પ શૂટરોમાંથી 2 શાર્પશૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌંડની વાપી પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. પરંતુ એક શાર્પ શૂટર પોલીસ પકડથી નાસતો ફરતો હતો.

Also read: Assembly Election: નવી મુંબઈમાં ભાજપને ફટકો, ભાજપના નેતા શરદ પવારના પક્ષમાં

મુખ્ય શાર્પ શૂટરની ઉત્તર પ્રદેશથી ધરપકડ
ત્યારબાદ આ હત્યા કાંડના મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુડ્ડુ સતિરામ યાદવને ઉત્તર પ્રદેશથી દબોચી લેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ પોલીસે આંબેડકર નગર જિલ્લામાં લૂંટ અને હત્યા જેવા ગુનામાં આરોપી ધરપકડ અજય યાદવની ધરપકડ કરી હતી. ત્યારબાદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મુખ્ય શાર્પ શૂટર અજય યાદવની ટ્રાન્સફર વોરંટથી વાપી લઈ આવી હતી અને પોલીસે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન ડીવાયએસપી બી.એન. દવે સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button