સાવધાન ગુજરાત: રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં તોતિંગ વધારો નોંધાયો
અમદાવાદઃ ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા ખાદ્ય પદાર્થો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર હૃદયરોગની સમસ્યા બધી રહી છે. યુવાનોમાં પણ હૃદયને સંબંધિત સમસ્યો વધી રહી છે. ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.
એક અહેવાલ મુજબ છેલ્લા આઠ મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે, આમ દર દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ આઠ મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 49898 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે.
ગુજરાતમાં માર્ચ, મે, જુલાઇ અને ઓગસ્ટમાં સાત હજારથી વધુ કેસ:
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયા હતા. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 લોકો હૃદયની સમસ્યાનો શિકાર બન્યા હતા. આ વર્ષે એક જ મહિનામાં સાત હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચમાં 7029 કેસ, મેમા 7175 કેસ અને જુલાઇમાં 7133 કેસ બન્યું છે.
અમદાવાદ જિલ્લામાં સૌથી વઘુ કેસ:
આ વર્ષે પ્રથમ આઠ મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે.
Also Read –