શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું શું મોટું નિવેદન? જાણો વિગત
મહેસાણાઃ ગુજરાતમાં કડક દારૂબંધીના (liquor ban in Gujarat) દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર (31st December) નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે. થોડા દિવસ પહેલા સુરતના કામરેજમાંથી બે ટ્રક ભરીને લઈ જવાતો દારૂ ઝડપાયો હતો. બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ઇંગ્લિંશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 ભરેલો ટ્રક ઝડપાયો હતો. ગુજરાતમાં છૂટથી મળતાં દારૂને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું (Shankersinh Vaghela) નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું શંકરસિંહ વાઘેલા
પાલનપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા શંકરસિંહે કહ્યું, ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી છે. રાજ્યના દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો ડ્રગ્સના રવાડે પણ ચડી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.
શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જાહેરાત કરી હતી અને પક્ષની નોંધણી પણ કરાવી હતી. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરી હતી. જ્યારે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અને પાર્થેશ પટેલને ખજાનચીની જવાબદારી સોંપી હતી.
આ પણ વાંચો :ગુજરાતના 9 શહેરોમાં જીએસટી વિભાગે 6 કરોડથી વધુની ચોરી ઝડપી…
શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.