રાજ્ય સરકાર ફરી આવું ન કરેઃ શક્તિસિંહ ગોહિલ
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો અને પહેલેથી ધીમે ધીમે પાણી છોડવામાં આવ્યું ન હતું.
મુખ્ય પ્રધાને ત્યાં જઈ વધામણાં કર્યા હતા, પણ ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ ગઈ અને રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભાજપની આ નોટંકી સરકારે વડાપ્રધાનને વાહલા થવા માટે આ પગલું લીધું હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
કદાચ વડાપ્રધાન આ બાબતથી અજાણ હશે કે પોતાનો જન્મદિવસ ઉજવવા ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યા અને પાણી ભેગું કરીને એક સાથે છોડવામાં આવ્યું, તેમ પણ તેમણે કહ્યું હતું.
ભવિષ્યમાં ભાજપની આ સરકાર આવી નૌટંકી ન કરે તેવી આશા કોંગ્રેસ રાખું તેમ તેમણે તેમના વીડિયો મેસેજમાં જણાવ્યું હતું. તો વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ પણ વીડિયો મેસેજ દ્વારા સરકારની ઝાટકણી કાઢી હતી અને કૉંગ્રેસના કાર્યકરોને અપીલ કરી હતી કે રાહત કામગીરીમાં જરૂર જણાય ત્યાં તંત્રને મદદરૂપ બને.