ભાવનગરમાં ઉમેશ મકવાણાના સમર્થનમાં શક્તિસિંહની ભવ્ય રેલી, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદઘાટન

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેજ બન્યું છે, રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં શહેરમાં ભવ્ય રેલી યોજી ઉમેશ મકવાણા નો પ્રચાર કરી તેમને વિજેતા બનાવવા અપીલ કરી હતી. ભાવનગરના માર્ગો પર ભવ્ય રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
આજે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના અનેક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર
શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે “ભાજપે છેલ્લા 10 વર્ષમાં 82 અબજ 52 કરોડ રૂપિયા જેટલું દાન મેળવ્યું છે, તેમજ તે સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા સંપત્તિ બધું જ હોય જેથી તે પોતાનું ધાર્યું કરી શકે, આજે સત્તાના મદમાં કોંગ્રેસના ખાતા સીઝ કરી કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે રૂપિયા વગર એવી સ્થિતિમાં મુકવા પ્રયાસ કર્યો પરંતુ અમો તો પણ ચૂંટણી લડીશું અને જીતીશુ, તેમણે ભાવનગરની દુર્દશા માટે ભાજપ ને જવાબદાર ગણાવી પ્રહાર કર્યા હતા તેમજ ઉદ્યોગો કે જે કોંગ્રેસના સમયની દેણ છે તે બધા પડી ભાંગ્યા છે જેને સત્તા પ્રાપ્ત થતા ફરી વેગવંતા બનાવીશું”
તેમણે વધુમાં કહ્યું કે “ભાજપ હાલ કહી રહી છે કે 400 પાર, પરંતુ આ સીટોની વાત નથી, ભાજપના લોકો પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે. મનમોહન સિંહની સરકાર વખતે ભાજપના લોકોને 400 રૂપિયાનું ગેસ સિલિન્ડર મોંઘું લાગતું હતું અને આજે તેઓએ ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા કરી નાખ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો 2029 માં ગેસ સિલિન્ડરનો ભાવ 2100 રૂપિયા હશે.”