વડોદરા ગેંગરેપની ઘટનાને લઈ ગુજરાત ભાજપના ધારાસભ્ય લાલઘૂમ, રેપ આરોપીઓના એન્કાઉન્ટરની કરી માંગ…

વડોદરાઃ ગુજરાતમાં નવરાત્રી પર્વ દરમિયાન દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેને લઈ ભાજપના ફાયરબ્રાંડ નેતા અને ડભોઈથી ધારાસભ્ય શૈલેષ મહેતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્યએ વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયેલી ગેંગરેપની ઘટનાના આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.
પોલીસનો ડર ન રહ્યો હોવાનું લાગે છેઃ મહેતા
શૈલેષ મહેતાએ કહ્યું કે, બીજા રાજ્યોમાંથી આવીને લોકો ગુજરાતની દીકરીઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે. સરકારે આ મામલે પોલીસ સાથે ઉભા રહેવું જોઈએ. મહેતાએ એમ પણ કહ્યું કે, જે હિસાબે દરરોજ ઘટનાઓ બની રહી છે તેના પરથી પોલીસનો ડર ન રહ્યો હોવાનું લાગે છે. મધ્ય ગુજરાતની રાજનીતિમાં વર્ચસ્વ ધરાવતાં મહેતા ડભોઈના ધારાસભ્ય છે.
વડોદરા કોર્પોરેશને આરોપીના ઘરના કનેકશન કાપ્યા
વડોદરા નગર નિગમે ગેંગરેપના આરોપી જે મકાનમાં રહેતા હતા તેના તમામ કનેકશન કાપી દીધા છે. વડોદરા નગર નિગમની તપાસમાં મકાન ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. ભાયલી દુષ્કર્મના આરોપીના નિવાસને અગાઉ પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. એકતા નગરમાં આરોપીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની વાત સામે આવી હતી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આરોપીઓનું ઘર નહીં તોડવાનો આદેશ આપ્યો હોવાથી હાલ પાલિકા દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની જ કાર્યવાહી કરી છે. આ વિશે કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, મંજૂરી વિના કનેક્શન જોડવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મહેતાએ ડર પેદા કરવા માટે એન્કાઉન્ટરની માંગ કરી
ગુજરાતમાં રેપની ઘટનાઓ સામે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિપક્ષના નિશાન પર છે, બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રેપ અને ગેંગરેપ કરનારાના પદાર્થ પાઠ ભણાવવા અને ડર પેદા કરવા માટે એન્કાઉન્ટરની માંગ કરી છે. ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ગેંગરેપની ઘટના પર મહેતાએ પોલીસ કાર્યવાહીની માંગને ઠીક ગણાવી કહ્યું, લોકોમાં પોલીસનો ડર નથી. વડોદરા પોલીસે ભાયલી ગેંગરેપમાં જ પાંચ આરોપીઓને પકડ્યા છે તે તમામ પરપ્રાંતીયો છે.