ફટાકડા ફોડતા પહેલા ભાવ તપાસજો! કરચોરી અને MRP ભંગ બદલ વેપારીઓના ધંધા-ઘર પર SGSTની ટીમો ત્રાટકી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ફટાકડા ફોડતા પહેલા ભાવ તપાસજો! કરચોરી અને MRP ભંગ બદલ વેપારીઓના ધંધા-ઘર પર SGSTની ટીમો ત્રાટકી

અમદાવાદઃ દિવાળીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સ્ટેટ જીએસટી (એસજીએસટી) વિભાગે ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. રાજ્યભરમાં 50થી વધુ ફટકડા વિક્રેતાને ત્યાં કરચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. આ પગલાનો હેતુ તહેવારોના સમયગાળા દરમિયાન વધુ કિંમત અને કરચોરીની સમસ્યાને પહોંચી વળવાનો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ,સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ટીમોએ 50 થી વધુ ફટાકડાના વેપારીઓના ધંધાના સ્થળે સર્વેની કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદ અને સુરતમાં સઘન તપાસ ચાલી રહી છે, અધિકારીઓ દ્વારા બિલિંગ રેકોર્ડ્સ, ખાતાબુક અને સ્ટોક રજિસ્ટરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત અને નવસારીમાં અધિકારીઓએ જીએસટી બિલિંગમાં ગોટાળા કરવા અને બનાવટી ઈનવોઈસનો ઉપયોગ કરવા બદલ શંકાસ્પદ ઘણા વેપારીઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમણે વધુ તપાસ માટે અનેક ધંધાકીય જગ્યાઓ અને ગોડાઉનોની તલાશી લીધી હતી અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: દિવાળી ટાણે રાજ્યમાં SGSTની તવાઈ: 3.28 કરોડની કરચોરી ઝડપી

હિંમતનગરમાં અધિકારીઓએ ગુરુમુખદાસ નામના સ્થાનિક વેપારીના ધંધાકીય સ્થળ અને ઘર પર તવાઈ બોલાવી હતી. કચ્છના ગાંધીધામમાં પણ બે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તારણ મુજબ, કરોડો રૂપિયાની કરચોરી થવાની સંભાવના છે. એસજીએસટીની આ કાર્યવાહીથી રાજ્યભરના વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓ દુકાનના દસ્તાવેજો અને સ્ટોકની વિગતોની બારીકાઈથી તપાસ કરી હતી. વધુ ભાવ લેવાની ફરિયાદો સપાટી પર આવ્યા બાદ નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલા અગાઉના સર્વે બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તહેવાર પહેલા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button