આપણું ગુજરાતભુજ

કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં બે પિતરાઈ ભાઈ સહીત સાત લોકોના મોત

ભુજઃ તહેવારોના ચાલી રહેલા સપરમા દિવસો વચ્ચે વીતેલા ૨૪ કલાક દરમ્યાન સીમાવર્તી કચ્છમાં બનેલી વિવિધ માર્ગ અકસ્માત અને આપઘાતની ઘટનાઓમાં સાત લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

ભુજ તાલુકાના ખાવડામાં ખાટલા ઉપર નિંદ્રાધીન થયેલા ઉદેસિંગ ગોપસિંગ નામના ૨૨ વર્ષના યુવાન ઉપર ટ્રક ફળી વળતાં હતભાગી યુવાનનો જીવનદીપ બૂઝાઈ ગયો હતો, ભુજની ભાગોળે આવેલા ખારીનદી વિસ્તારમાં કરમશી બુધા (ઉ.વ.પપ)ને ઝેરી જંતુ કરડતાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો, ગાંધીધામમાં રામપ્રશાંત રામકુમાર (ઉ.વ.૨૯)એ ગળાફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી જયારે અંજારના વિજય નગર ખાતે કડિયાકામ કરતાં પડી ગયેલા ઈસ્માઈલ જુમા સમા નામના ૩૦ વર્ષના યુવકનું તત્કાળ મોત નીપજ્યું હતું, તો સામખિયાળી નજીક કાર પલટી જતાં એક યુવાનનું જયારે ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભુજોડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે ભુજના બે પિતરાઈ ભાઈઓના સ્થળ પર મોત નીપજ્યાં હતાં.

પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે, ભુજ તાલુકાના ખાવડા ખાતેના ગ્રીન અદાણી નજીક ગત ગત મોડી રાત્રિના અપમૃત્યુનો વિચિત્ર બનાવ બહાર આવ્યો હતો જેમાં રસ્તાની બાજુમાં ખાટલા ઉપર યુવક નિંદ્રાધીન હતો એ દરમ્યાન કાળ બનીને આવી ચઢેલી જીજે-૩-એચઈ-૩૨૮૩ નંબરની ટ્રક સુતેલા યુવાન ઉપર ફરી વળતાં બનાવ સ્થળે તેનું મોત નીપજતાં પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો અપમૃત્યુનો બનાવ ભુજ-ખાવડા માર્ગ પરની ખારીનદી ખાતે બન્યો હતો જેમાં હતભાગી આધેડને કોઈ ઝેરી જીવજંતુ કરડી જતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમણે દમ તોડી દીધો હતો. દરમ્યાન ગાંધીધામના સેક્ટર-૪ વિસ્તારમાં અકસ્માત મોતનો બનાવ ગત સવારે બન્યો હતો જેમાં અહીં રહેનારા રામ પ્રશાંતે કોઈ અગમ્ય કારણોસર પંખામાં રસ્સી વડે ફંદો લગાવીને પોતાની જીવાદોરી ટૂંકાવી લેતાં પોલીસે છાનબીન આદરી છે.

બીજી તરફ, અંજાર શહેરના વિજય નગર ખાતે અકસ્માત મોતનો બનાવ બપોરે બન્યો હતો જેમાં કડિયાકામ કરી રહેલો યુવક અચાનક છત ઉપરથી નીચે પછડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે ભુજ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા.

દરમ્યાન, ભચાઉ અને સામખિયાળી તેમજ ભુજોડી નજીક સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં ચાર લોકોના અકાળે મોત થયાં હતાં.

ભચાઉના સામખિયાળી નજીક પૂરપાટ જઈ રહેલી સ્વીફ્ટ ડિઝાયર કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી જતાં ગંભીર રીતે ઘવાયેલા મૌલિક ઘનશ્યામ ત્રિવેદી (ઉ.વ. ૩૯)નું મોત થયું હતું, જયારે અંજારના ગંગાનાકા નજીક છકડાની હડફેટે આવી ગયેલા કિરીટ પટેલ નામના આધેડ મોપેડ ચાલકનું મોત થયું હતું.

સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ ઉપર રાજ પેલેસ હોટેલ આગળ ગત ઢળતી બપોરે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટમાં રહેનાર મૌલિક ત્રિવેદી નામનો યુવાન કાર નંબર જી.જે.૦૩- જે.એલ ૯૩૫૪ લઈને ગાંધીધામથી પરત રાજકોટ જઈ રહ્યો હતો એ દરમ્યાન સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં તેની કાર ડિવાઈડરમાં અથડાતાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સામખિયાળી પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો અકસ્માતનો બનાવ અંજારના ગંગાનાકા પાસે સર્જાયો હતો જેમાં અહીંના સંઘવી હોમ્સ વિસ્તારમાં રહેનાર કિરીટ પટેલ તેમના દ્વિચક્રી વાહનમાં ગંગા નાકા પાસે ભરાતી બજારમાં શાકભાજી લેવા ગયા હતા. દરમ્યાન સામેથી ધસી આવેલા છકડાએ દ્વિચક્રીની હડફેટમાં લેતાં આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર અગાઉ મોત નીપજતાં છકડાચાલક વિરુદ્ધ બ્રિજેશ કિરીટ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસીટી ટ્રેન બંધઃ અનેક પ્રવાસી રઝળ્યાં

દરમ્યાન, ભુજ નજીક ભુજોડી પાટિયા પાસે શુકવારના રાત્રે કોઈ અજાણ્યા ભારે વાહને આગળ જઈ રહેલાં મોટર સાયકલને ટક્કર મારતાં ભુજના બે પિતરાઈ ભાઈઓના સ્થળ પર કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં.

પોલીસના જણાવ્યા પ્રમાણે, રાત્રે સવા આઠના અરસામાં ભુજોડી કન્યાશાળા સામેના માર્ગ પર આ હિટ એન્ડ રનની આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ભુજના સરપટ નાકે આવેલા કોલીવાસમાં રહેતા મરણ જનાર પપ્પુ રમજુ કોલી (૪૭) અને રમેશ વાલુ કોલી (૪૫) નામના પિતરાઈ ભાઈઓ સ્પ્લેન્ડર મોટર સાયકલ પર દુધઈથી ભુજ પરત ફરી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહને તેમના વાહનને ટક્કર મારી દેતાં બંનેના બનાવ સ્થળે મોત નીપજ્યાં હતા.

માધાપર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button