આઠ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારી
રાજકોટ: 29/11/2019ના રોજ કોર્પોરેશનના બગીચામાં લાઈનમાં સૂતેલા મજૂર વર્ગના પરિવારની નિદ્રાધીન બાળકીને ગોદડી સહિત ઉઠાવી લઈ ગયો હતો, ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ નરાધમ આરોપી હરદેવ મસરું ભાઈ માંગરોળિયા (25 વર્ષ)ને સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો અને સાયન્ટિફિક પુરાવાને આધારે કોર્ટે તેને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. પોકસો અદાલતના સેશન્સ જજ જે. ડી. સુથારે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.
બનાવની વિગત મુજબ એક મજૂર પરિવાર બાબરાથી મજૂરી કામ માટે રાજકોટ આવેલ અને રહેવાની જગ્યા ન હોય આજીડેમ પાસે એક બગીચામાં પોતાની પાંચ પુત્રીને લઈને માતા-પિતા રાત્રે સૂતા હતા એવા સમય દરમિયાન રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ એક રખડતો ભટકતો શખસ આઠ વર્ષની મોટી દીકરીને લઈ અને કોઈ અવાવરું જગ્યામાં તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
લોહી લુહાણ હાલતમાં આઠ વર્ષની દીકરી રખડતી ભટકતી બે કલાકના અંતે માતાપિતાએ તેને શોધી કાઢી અને વહેલી સવારે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં પોલીસ કેસ થયો.
માત્ર 36 કલાકમાં પોલીસ ખાતાએ આરોપીને શોધી કાઢ્યો હતો. આજે નામદાર કોર્ટે તમામ સાયન્ટિફિક પુરાવાઓને આધારે ચુકાદો આપ્યો હતો અને આ નરાધમને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ ફરમાવી હતી અને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.