શાળાઓનું સત્ર રાબેતા મુજબ જ શરૂ થશે’ વેકેશન લંબાયું હોવાની અફવા પર શિક્ષણાધિકારીનો ખુલાસો
ગાંધીનગર : જુન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે આગામી સમયમાં શાળાઓમાં શૈક્ષણિક સત્ર ખુલ્લી રહ્યા છે. પરંતુ આ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન લબાયું હોવાની અફવા ફેલાઈ હતી. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી અને ખોટી અફવાઓથી ન દોરવાઇ જવાની પણ સૂચના આપી હતી.
હાલ શાળાઓનું ઉનાળુ વેકેશન તેના અંતિમ દોરમાં છે, જૂન માસના આગામી અઠવાડિયામાં શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યા છે. ત્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે, તેવી અફવાઓ ફેલાઈ હતી. તે બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે સ્પષ્ટતા આપી હતી, તેમણે કહ્યું હતું કે વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહિ. વેકેશનની મુદત એક સપ્તાહ વધારવા માટેની એક અરજી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી પરંતુ શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થઈ રહી છે.
રાજ્યમાં પડી રહેલી આકરી રેકોર્ડબ્રેક ગરમીના લીધે શાળા સંચાલક મંડળ દ્વારા ઉનાળુ વેકેશનને એક અઠવાડિયા સુધી લંબાવવા માટેની અરજી રાજ્યના શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. પરંતુ હવે 13 જૂનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.