Top Newsઆપણું ગુજરાત

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ભૂકંપના ઉપરાછાપરી 10 આંચકાથી ફફડાટ, લોકો ઘર બહાર ભાગ્યાં, સ્કૂલ-આંગણવાડીઓમા રજા જાહેર…

ઉપલેટાઃ તાજેતરમાં ભારત સરકારના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા જાહેર કરાયેલા નવા ભૂકંપીય ઝોનિંગમાં સમગ્ર ગુજરાતનો ભાગ III મધ્યમ જોખમથી થી IV ઉચ્ચ જોખમમાં સમાવેશ પામ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત સાંજથી લઈને આજ સવાર સુધીમાં 10 ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ તમામ આંચકાઓની સરેરાશ તીવ્રતા ૩ નોંધાઈ હતી. જેની ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત સાંજથી ભૂકંપના આંચકાનો સિલસિલો શરૂ થયો હતો. ગત સાંજે 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો. ત્યારબાદ આજે સવારે 6:19 કલાકે 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો અને આ આંચકા બાદ 10 વાગ્યા સુધીમાં સતત થોડા થોડા સમયના અંતરે આંચકા નોંધાઈ રહ્યા છે. ચાર કલાકના ગાળામાં જ 9 જેટલા આંચકા અનુભવાયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ ઈન્સ્ટીટ્યુટના આંકડાઓ અનુસાર, સવારે 6:19 કલાકે 3.8ની તીવ્રતા, 6:56 કલાકે 2.9ની તીવ્રતા, 6:58 કલાકે 3.2ની તીવ્રતા, 7:10 કલાકે 2.9ની તીવ્રતા, 7:33 કલાકે 2.7ની તીવ્રતા, 8:21 કલાકે 3 ની તીવ્રતા, 8:34 કલાકે 3.2ની તીવ્રતા અને 9:45 કલાકે 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાઓની અસર ઉપેલટા સિવાય ધોરાજી, જેતપુર, ગોંડલ પંથકમાં અનુભવાઈ હતી. સતત ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે.

અહેવાલો અનુસાર, ભૂકંપના આંચકાઓને ધ્યાને લઈને તંત્ર દ્વારા તલાટીઓને તેમના ફરજ સ્થળ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. જો કે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાની કે માલહાનીના અહેવાલો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ધોરાજીની ખાનગી શાળાઓ દ્વારા બાળકોને આજના દિવસે રજા આપી દેવામાં આવી છે. જે બાળકો સવારે શાળાએ પહોંચ્યા હતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. શિક્ષકોને શાળામાં હાજર રહવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા ટીમોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુરની આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…કચ્છ-સૌરાષ્ટ્રમાં વારંવાર કેમ આવે છે ભૂકંપ? ભૂગર્ભના સ્કેનિંગમાં ખૂલ્યા રહસ્યો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button