આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું જન્મદિવસના એક દિવસ પહેલા નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો…

અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. યોગેન્દ્ર મકવાણાનું 92 વર્ષની વયે નિધન થયું હતું. 22 ઓક્ટોબર 1933માં આણંદ જિલ્લાના સોજિત્રા ગામે તેમનો જન્મ થયો હતો. જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેમણે વિદાય લેતાં શોક મોજું ફરી વળ્યું હતું. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો હતો. ડૉ. યોગેન્દ્ર મકવાણા લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા અને કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.

ડૉ. યોગેન્દ્ર મકવાણાની રાજકીય કારકિર્દીનો મોટો ભાગ રાજ્યસભામાં રહ્યો હતો. તેઓ 1973 થી 1988 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા, જ્યાં તેમણે 15 વર્ષ સુધી ગુજરાત અને દલિત સમાજના હિતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય પ્રધાન તરીકે પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. કેન્દ્ર સરકારમાં તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી દલિત નેતાઓમાં થતી હતી.

https://twitter.com/AmitChavdaINC/status/1980543429626196284

કૉંગ્રેસમાં સક્રિય રહ્યા બાદ ડૉ. યોગન્દ્ર મકવાણાએ 2008માં કૉંગ્રેસથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે દલિત અને બહુજન સમાજના હિતોને કેન્દ્રમાં રાખીને પોતાનો નવો રાજકીય પક્ષ ‘નેશનલ બહુજન કૉંગ્રેસ’ની સ્થાપના કરી હતી. ડૉ. યોગેન્દ્ર મકવાણાના નિધન પર રાજકીય નેતાઓ અને સંગઠનોએ શોક વ્યક્ત કર્યો હતો.

અમિત ચાવડાએ તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દલિત સમાજના અગ્રણી નેતા ડૉ. યોગેન્દ્ર મકવાણાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે કૉંગ્રેસના નેતા તરીકે દેશ અને સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button