સેલ્ફીએ ફરી લીધો એક યુવાનનો ભોગ, પત્નીની સામે જ પતિનું મોત
અમદાવાદઃ મોબાઈલ હાથમાં આવતા લોકો ફોટા અને સેલ્ફી પાડ્યા વિના રહેતા નથી. કોઈપણ સ્થળે જાય એટલે સેલ્ફી કે ફોટા લઈ તેને સોશિયલ મીડિયા પર શેર કરવાની એક અજબની તાલાવેલી માત્ર યુવાનો નહીં પુખ્ત વયના અને ઘણીવાર વયોવૃદ્ધ લોકોમાં પણ હોય છે. ઘણીવાર સેલ્ફી લેવા જતા મોતને ભેટ્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે, છતાં લોકો એ સમયે મસ્તીમાં હોશ ખોઈ બેસે છે અને તેમની આ ભૂલ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પણ આવી જ એક ઘટના બની છે જેમાં યશ કંસારા નામનો યુવાન પત્ની સાથે ફરવા આવ્યો હતો, પણ અનંતની યાત્રાએ ચાલ્યો ગયો. તેનું મૃત્યુ પત્નીની નજરની સામે જ થયુ. આ કપલના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા અને તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા. અહીં વૉક વે પર ચાલતા યશ સેલ્ફી લઈ રહ્યો હતો અને અચાનક તેનો પગ લપસ્યો અને તે નદીમા ખાબક્યો હતો. પત્નીએ બૂમાબૂમ કરી લેતા હાજર લોકોએ કોશિશ કરી હતી, પણ યશ જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. માત્ર બે મિનિટ પહેલા પત્ની સાથે આનંદની ક્ષણો માણી રહેલા યશનું મૃત્યુ થતાં પત્ની-પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ રીતે જીવના જોખમે સેલ્ફી કે ફોટા ન લેવા કે કોઈપણ પ્રકારના સ્ટંટ ન કરવાની ફરી અપીલ કરી છે.