ઠંડીનું જોર ઘટ્યુંઃ ડિસેમ્બરથી બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનો એક રાઉન્ડ પૂરો થયો છે અને હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ થોડું વધેલું જોવા મળે છે. મોટાભાગના શહેરોમાં ઠંડી 15થી 18 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રી રહ્યું હતું. એક સમયે સૌરાષ્ટ્રમા અમુક શહેરોમાં 10થી 12 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા લોકોએ ઠંડીનો ચમકારો વર્તાતો હતો.
અમરેલી, જામનગર, પોરબંદરમાં 14.8 ડિગ્રી, દ્વારકા અને ભાવનગરમાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 19, રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઠંડુગાર રહેતા નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18. 3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 19 અને સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાચો : ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું! સૌરાષ્ટ્રમાં દિવસનું તાપમાન 33°C સુધી પહોંચ્યું…
મોટાભાગના શહેરોમાં સવારે દસેક વાગ્યાથી ગરમી વરતાતી હતી. અમદાવાદ, વડોદરા, સુરત વગેરેમાં બે દિવસથી સ્વેટર કે શાલની જરૂર પડતી નથી. માત્ર વહેલી સવારે અને મોડી રાત પછી ઠંડી અનુભવાય છે.
નિષ્ણાતોએ કરેલી આગાહી અનુસાર નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું જોર થોડું ઘટશે, જ્યારે ડિસેમ્બરથી ફરી બીજો રાઉન્ડ શરૂ થશે. જોકે ઠંડી ઘટી હોવા છતાં મોટાભાગના શહેરોમાં એક્યુઆઈ નબળો જ રહ્યો હતો.



