આપણું ગુજરાત

ગુજરાત બન્યું ‘ગ્રીન’ ચેમ્પિયન: વૃક્ષારોપણમાં દેશમાં બીજા નંબરે!

'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત દેશમાં ગુજરાત બીજા ક્રમે

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પર્યાવરણ પ્રેમી નાગરિકો-સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સહયોગથી’ વનરાજીમાં પણ ગુજરાત વધુ રાજી’ થયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI ૨૦૨૩ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧.૨૯ ચો. કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.

ગ્રીન કવર 11 ટકા થયું

વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા અને રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં FSI-૨૦૨૩ના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર ૨.૮૦ ટકા હતું, જે વર્ષ ૨૦૨૩માં વધીને ૩.૩૮ ટકા થયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૧માં રાજ્યનું કુલ ગ્રીન કવર ૧૦.૪૧ ટકા હતું, જે વધીને વર્ષ ૨૦૨૩માં ૧૧.૦૩ ટકા થયું હતું.

રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા

ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ -૨૦૨૩ પ્રમાણે ગુજરાતમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા ૨૧,૮૭૦ વર્ગ કિ.મી. એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૪ ટકા છે, જ્યારે ફોરેસ્ટ કવર ૧૫,૦૧૬.૬૪ વર્ગ કિ.મી. એટલે કે ૭.૬૫ ટકા અને ટ્રી કવર ૬,૬૩૨.૨૯ વર્ગ કિ.મી. એટલે ૩.૩૮ ટકા છે. આમ રાજ્યનું કુલ ગ્રીન કવર ૨૧,૬૪૮.૯૩ વર્ગ કિ.મી.એટલે કે ૧૧.૦૩ ટકા છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ થયેલું ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તર પ્રદેશ બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ૧૭.૪૮ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૫ દરમિયાન ‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે.

ફોરેસ્ટ એરિયા ૭,૭૫,૩૭૭ વર્ગ કિલોમીટરનો છે

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય વન નીતિ ૧૯૮૮ મુજબ દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના ૩૩ ટકા હોવું જોઇએ. દેશ અને રાજ્યોના ફોરેસ્ટ કવર અને ટ્રી કવરનું આંકલન પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય અંતર્ગત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ કરવામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા ૭,૭૫,૩૭૭ વર્ગ કિ.મી. છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨૩.૫૯ ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર ૭,૧૫,૩૪૨.૬૧ વર્ગ કિ.મી. એટલે કે ૨૧.૭૬ ટકા અને ટ્રી કવર ૧,૧૨,૦૧૪.૩૪ વર્ગ કિ.મી.એટલે ૩.૪૧ ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર ૮,૨૭,૩૫૬.૯૫ વર્ગ કિ.મી.એટલે કે ૨૫.૧૭ ટકા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button