આપણું ગુજરાત

બોડેલીમાં નકલી સરકારી કચેરી મામલે તપાસ માટે સીટ રચાઇ: ૪.૧૫ કરોડ ₹ વાળું ખાલી ખાતું સીઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરીના મામલાની તપાસ કરવા સીટની રચનાની જાહેરાત એસપી દ્વારા કરાઇ હતી. તેમણે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના એસપીના વડપણ હેઠળ સીટ તપાસ કરાશે. સીડીઆર અને બૅન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. છોટા ઉદેપુર એસ.પી.એ વધુમાં જણાવ્યું હતુ કે જે એકાઉન્ટમાં ૪.૧૫ કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. વધુમાં ધરપકડ કરાયેલ સંદીપ રાજપૂત બીકોમ સુધી ભણ્યો છે અને સરકારી કામો કરતો હોવાનું જ્યારે અબુબકર સૈયદ ૨૦૦૭થી સરકારી કોન્ટ્રાકટના કામ કરતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. છોટા ઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીની નકલી સરકારી કચેરી મુદ્દે ૨૬/૧૦/૨૦૨૩ના રોજ પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. બંને આરોપીઓની વોટ્સએપ ચેટના આધારે ધરપકડ કરાઇ હતી અને ૧૨ દિવસના રિમાન્ડ મળ્યા હોવાથી હાલ તપાસ ચાલી રહી છે. આરોપીઓએ ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો. આરોપીઓએ અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની વધુ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) કરશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button