કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં શિયાળાએ વિદાય લીધી છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના નથી, પરંતુ આગામી 10 માર્ચના રોજ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે, તેને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં ગુજરાત પર આવતાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી છે. તેથી મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગમાં દરિયાકાંઠે 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. તથા આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાશે તેને કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે, જેથી તાપમાન 36-37 ડિગ્રીની નજીક જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આમ માર્ચના અંત સુધીમાં તાપમાનમાં વધારો થતો રહ્યો તો અમદાવાદ સહિત કેટલાક શહેરોનું તાપમાન 40ની નજીક કે તેની પાર જવાની હવામાન વિભાગની આગાહી છે, રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવી શકે છે. આ સાથે જ પવન ફુકાશે. 11થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. 20 માર્ચે સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાઈ શકે છે. ઉનાળામાં આકરી ગરમી સહન રહી શકે છે.