ગુજરાત હવે ભણાવશે રાજકારણના પાઠઃ 150 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે આ ફેસિલિટી
ગુજરાત હવે ભણાવશે રાજકારણના પાઠઃ 150 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે આ ફેસિલિટી

અમદાવાદઃ ગ્લોબલ લીડર બની રહેલા ભારતમાં યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) દ્વારા અપનાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન કર્યું હતું. આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી નજીક ૨૨ એકર વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામશે.
પીએમ મોદીએ શું કર્યું છે આહ્વાન
પીએમ મોદીએ કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા ૧ લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી રચાયેલી આ સંસ્થા SOUL રાજકીય, સામાજિક અને જાહેર નીતિ – એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે.
ક્યારથી શરૂ થશે અભ્યાસક્રમ
ગાંધીનગરમાં SOULના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ-૨૦૨૭થી અહીં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેમાં ૧ થી ૩ મહિનાના મધ્યમ ગાળા તેમજ ૯ થી ૧૨ મહિનાના લાંબાગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન કરાશે.
Also read :સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ
શું છે હેતુ
લોકોના હિતને પ્રાધાન્ય આપતા સક્ષમ નેતૃત્વના વિકાસની તકો સાથે જાહેર ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા ઉમેદવારો અને યુવાનોને લીડરશીપ તાલીમ માટે SOUL યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. આ હેતુસર SOULમાં પ્રવેશ માટે જાહેર સેવા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતા વ્યક્તિઓને લેટર ઓફ ઈન્ટેન્ટ અને પેનલ ઈન્ટરવ્યૂ દ્વારા યોગ્યતાના ધોરણે પસંદ કરવામાં આવશે. ઉદ્યોગ, સરકાર અને વૈશ્વિકનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો SOULમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપશે. એટલું જ નહિ, સહભાગીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવાના હેતુથી યુવા ઉમેદવારો પાસેથી ટોકન ફી લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર સેવા અધિકારીઓ માટે તાલીમ નિ:શુલ્ક રાખવામાં આવશે.
SOUL ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિ સમૂહો દ્વારા સ્થાપવામાં આવેલી એક સ્વતંત્ર અને બિન-પક્ષપાતી સંસ્થા છે. તેમજ સરકારી એજન્સીઓ કે યુનિવર્સિટીઓ સાથે કોઈ જોડાણ ધરાવતી નથી. લીડરશીપ ડેવલોપમેન્ટ અને વેલ્યુએડિસન પર ફોકસ કરતા નોન ડીગ્રી કાર્યક્રમો SOULમાં ભણાવવામાં આવશે