આપણું ગુજરાત

ખાનગી સ્કૂલોની ફીની લઘુતમ મર્યાદામાં ૫૦ ટકા વધારાની શાળા સંચાલકોની દરખાસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ખાનગી સ્કૂલોની લઘુતમ ફી મર્યાદા નક્કી કરવા માટેની કમિટી દ્વારા સંચાલકો, વાલીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. જેના પગલે સંચાલક મંડળ દ્વારા હાલની લઘુતમ મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરવાની ભલામણ કરાઈ છે. હાલની ફીની લઘુતમ મર્યાદા રૂ. ૧૫ હજારથી રૂ. ૩૦ હજાર જેટલી છે, જેમાં ૫૦ ટકાના વધારા બાદ રૂ. ૨૨,૫૦૦થી લઈને રૂ. ૪૫ હજાર સુધીની લઘુતમ મર્યાદા નક્કી કરવા માટે સૂચન કરાયું છે. આ ઉપરાંત દર વર્ષે ૭ ટકા પ્રમાણે લઘુતમ મર્યાદામાં વધારો કરવામાં આવે તે માટે પણ કમિટી સમક્ષ પોતાની દરખાસ્ત મોકલવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી બેફામ ફી પર લગામ કસવા માટે ફી નિયમન વિધેયક પસાર કરાયું હતું. જેમાં ખાનગી સ્કૂલોની ફી રૂ. ૧૫ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની લઘુતમ મર્યાદા નક્કી કરાઈ હતી. આ ફી મર્યાદા કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની રહે છે, અને તેના આધારે ફી કમિટી દ્વારા સ્કૂલોની ફી નક્કી કરાતી હોય છે. જોકે, આ કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ છેલ્લા ૭ વર્ષથી સ્કૂલોની ફીની લઘુતમ મર્યાદામાં કોઈ જ ફેરફાર કરાયો ન હોવાથી સંચાલકો દ્વારા સરકાર સમક્ષ મર્યાદામાં વધારો કરવા માટે રજૂઆત કરાઈ હતી. શિક્ષણ વિભાગે સ્કૂલોની ફીની લઘુતમ મર્યાદામાં વધારો કરવા માટે શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરી છે. આ કમિટી દ્વારા તમામ પક્ષો પાસેથી સૂચનો મેળવ્યા બાદ તે અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરશે. ત્યારબાદ આ અહેવાલ સરકારમાં મોકલાશે અને સરકાર દ્વારા ફીની લઘુતમ મર્યાદામાં ફેરફાર માટે નિર્ણય કરાશે. હાલમાં આ કમિટી દ્વારા સંચાલકો, વાલીઓ સહિતના લોકો પાસેથી લઘુતમ મર્યાદાને લઈને તા.૨૦મી ડિસેમ્બર સુધીમાં સૂચનો- દરખાસ્ત- આવેદન મોકલવા માટે તાકીદ કરી છે. કમિટી દ્વારા સૂચનો મગાવવામાં આવતા સંચાલક મંડળે પણ લઘુતમ મર્યાદાને લઈને પોતાની દરખાસ્ત શિક્ષણ બોર્ડના સચિવને મોકલી આપી છે. જેમાં છેલ્લા સાત વર્ષથી લઘુતમ ફી મર્યાદામાં કોઈ વધારો થયો ન હોવાથી દર વર્ષના સાત ટકા વધારા સાથે સાત વર્ષના ૫૦ ટકાનો વધારો લઘુતમ ફી મર્યાદામાં માગ્યો છે. જે અનુસાર પ્રાથમિક વિભાગમાં રૂ. ૧૫ હજારના બદલે રૂ. ૨૨,૫૦૦ લઘુતમ ફી રાખવા દરખાસ્ત કરી છે. માધ્યમિક વિભાગમાં રૂ. ૨૦ હજારના બદલે રૂ. ૩૦ હજાર, ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહમાં રૂ. ૨૫ હજારના બદલે રૂ. ૩૭૫૦૦ અને વિજ્ઞાન પ્રવાહમાં રૂ. ૩૦ હજારના બદલે રૂ. ૪૫ હજાર લઘુતમ ફી રાખવા જણાવાયું છે. સંચાલક મંડળ દ્વારા રૂ. ૭૫૦૦થી લઈને રૂ. ૧૫૦૦૦ સુધી ફી વધારી મર્યાદા નક્કી કરવા માગ કરી છે. આટલું જ નહીં, આ વખતે કમિટી દ્વારા જે અહેવાલ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવે અને તેના આધારે લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવે તે સાથે દરવર્ષે સાત ટકા વધારો લઘુતમ મર્યાદામાં કરવા માટેની પણ જોગવાઈ કરવામાં આવે તેવી સંચાલક મંડળ દ્વારા માગણી કરાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button