બોલો, ગુજરાતમાં જ આવેલો છે માલદીવને ટક્કર આપે એવો સુંદર બીચ…
માલદીવ અને ભારતના સંબંધોમાં છેલ્લાં કેટલાક સમયથી ખટાશ આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારથી તો આ સંબંધો એકદમ જ વણસી ગયા છે. લોકોએ બોયકોટ માલદીવ અને લક્ષદ્વીપના સપોર્ટમાં આવ્યા છે. પણ આજે અમે અહીં તમને એક એવા બીચથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેની સુંદરતા માલદીવના બીચની સુંદરતાને પણ ટક્કર મારે એવી છે.
આવો જોઈએ ક્યાં આવેલો છે આ બીચ અને શું છે એનું નામ… તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આવો આ સુંદર અને મનમોહી લેતો બીચ આપણા ગર્વીલા ગુજરાતમાં આવેલો છે. આ બીચની મુલાકાત લેવા માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના દ્વારકા જિલ્લામાં, કારણ કે અમે અહીં આવેલા શિવરાજપુર બીચની વાત કરી રહ્યા છીએ…
શિવરાજપુર બીચનું કુદરતી સૌંદર્ય માલદીવની સુંદરતાને ટક્કર મારે એવા છે અને અહીંની સુંદરતા જોઈને તમને ચોક્કસ જ એવું થઈ જાય કે કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે અહીંયયય સૌરાષ્ટ્રનો આ બ્લ્યુ બીચ ગુજરાત અને ગુજરાતીઓમાં એકદમ લોકપ્રિય છે. જો તમે હજી સુધી આ બીચની મુલાકાત ના લીધી હોય તો એક વખત ચોક્કસ આ બીચની મુલાકાત લેજો.
વાત કરીએ શિવરાજપુર બીચની તો તે દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામની નજીક આવેલું છે અને અહીંયા તમારી જાણ માટે કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે ઓક્ટોબર 2020માં ડેનમાર્કની એક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા શિવરાજપુર બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’ નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બસ એ દિવસ અને આજની ઘડી શિવરાજપુર બીચ લોકોમાં એકદમ લોકપ્રિય બની ગયો છે.
તમે એક વખત જો શિવરાજપુર બીચની મુલાકાત દેશો તો તમે ચોક્કસ જ માલદીવના બીચને ભૂલી જશો. લોકો અહીં ફરવાની સાથે સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે પણ આવે છે. આ સિવાય અહીં ટુરિસ્ટ માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, લોકર રૂમ, પાથ-વે, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક સહિતની અનેક મૂળભૂત સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે.
એડવેન્ચર લવર્સ માટે અહીં સ્કુબા ડાઈવિંગ સહિતના વિવિધ વોટર સ્પોર્ટ્સના ઓપ્શન્સ પણ ઉપલબ્ધ છે. શિવરાજપુરના આ દરિયા કિનારે તમે પાણીમાં છબછબીયા કરવાની સાથે સાથે ટેન્ટમાં દરિયા કિનારે રહેવાનો આનંદ પણ માણી શકો છો. વેકેશનમાં અહીં આવનારા પર્યટકોની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. જો તમે પણ હવે કોઈ બીચ વેકેશન પ્લાન કરી રહ્યા છો તો તમારા લિસ્ટમાં શિવરાજપુર બીચ મસ્ટ હોવું જ જોઈએ…