સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે આફત સર્જી: ગોંડલ યાર્ડમાં માલસામાનને નુકસાન, વીજળી પડવાથી પશુધનને મોટું નુકસાન

રાજકોટ: અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને રાજકોટ, ગોંડલ સહિતના પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પરિણામે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે સિવિલ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં છાપરા નીચે રાખવામાં આવેલી ડુંગળી પલળી ગઈ હતી અને જણસ પર ઢાંકેલી તાડપત્રીઓ પણ ઉડી ગઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
ગોંડલ APMCમાં ચણાની આવક બંધ કરાઇ
હાલ પડી રહેલા માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. યાર્ડમાં છાપરા હેઠળની જગ્યાની મર્યાદા અને ખેડૂતોના માલની સલામતીને ધ્યાનમાં રાખીને, ચણાની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રાખવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી અને યાર્ડમાં જગ્યા ન હોવાથી ખેડૂતોને ચણાના વાહનો ન લાવવા વિનંતી કરવામાં આવી છે; અન્યથા આવા વાહનોને યાર્ડમાં પ્રવેશ મળશે નહીં. જોકે ધાણાની આવક 22 મેના રોજ રાત્રીના 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. ધાણાની આવક ફક્ત છાપરામાં જગ્યા હશે ત્યાં સુધી જ ચાલુ રહેશે તેવી જાહેરાત ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી કેસર કેરીને મોટું નુકસાન, ભાવ તળિયે પટકાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
ગોંડલ ઉપરાંત કોટડા સાંગાણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 15 દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે બાગાયતી પાક સિવાય ઉનાળુ તલ, મગ સહિતના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. તે ઉપરાંત અમરેલી જિલ્લાના કુંકાવાવ, વડીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે.
ઘેટાં-બકરાં પર વીજળી પડી
આ કમોસમી વરસાદે જાનમાલનું પણ નુકસાન કર્યું છે. કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા અને કરમાળ સીમ વિસ્તારમાં ઘેટાં-બકરાં ચરાવવા નીકળેલા સંજયભાઈ પોપટભાઈ બાંભવાના 10 ઘેટાં-બકરાં પર વીજળી પડતાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 5 ઘેટાંને ઈજા પહોંચી હતી.