સુરેન્દ્રનગરના ઉમરડા ગામે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરતા 12 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા અને મામલતદાર મળીની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. સરકારી સર્વે 1185 અને ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 15 કુવા, 7 ચરખી અને લગભગ 300 ટન કાર્બોસેલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
દરોડામાં કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનની વાત કરવામાં આવે તો, તેમાં કબજેદાર તરીકે કાળુભાઈ લાલજીભાઈ જાડા, બાલુબેન લાલજીભાઈ જાડા, મરઘાબેન લાલજીભાઈ જાડા અને સવિતાબેન લાલજીભાઈ જાડાનું નામ પ્રકાશમાં આવ્યું છે. ખાનગી સર્વે નંબર 781 અને 782ના કબજેદારો ધીરુભાઈ પોપટભાઈ અને રતુભાઈ પોપટભાઈ વિરૂદ્ધ પણ અહીં ગેરકાયદે ખનન કરવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ લોકો પાસેથી કાયદા પ્રમાણે થતો દંડ વસૂલ કરવામાં આવશે.
આ પણ વાંચો: બોલો, બિહારમાં રાતોરાત ગાયબ થઈ ગયું તળાવઃ ભૂમાફિયાઓને મળ્યું મોકળું મેદાન
200 જેટલા પરપ્રાંતીય મજૂરોના વતન મુકવામાં આવ્યાં
આ કાર્યવાહી દરમિયાન અહીં કુલ 200 જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યાં હતાં. જેથી તેમને સમજાવીને પાછા વતન મોકલવામાં આવ્યાં હતા. ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ દંડની રકમ વસૂલ કરવામાં આવશે. તપાસ અહીં પૂર્ણ નથી કરવામાં આવી! હજી અન્ય ખાનગી જમીનની તપાસ કરવામાં આવી રહી છે, જો કોઈ શંકાસ્પદ પુરાવા મળશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે