સાયલામાં કિન્નરોના ઘરમાં ચોરીથી ચકચાર, છત તોડીને રોકડા ₹40,000ની ચોરી

સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સાયલાના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા કિન્નર સમાજના લોકોના ઘરમાં ચોરી થઈ હતી.
મળતી વિગત પ્રમાણે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન, કિન્નર દક્ષા દે અને તેમના સાથીઓએ ભિક્ષા માંગીને જે પૈસા અને સોનાની બુટ્ટી ભેગા કર્યા હતા, તે કોઈ ચોર ચોરી ગયો હતો. કિન્નરોએ આશરે ₹40,000 રોકડા અને સોનાની બુટ્ટી કબાટમાં રાખ્યા હતા.
આપણ વાંચો: સુરતમાં હીરાની કંપનીમાં કટરથી તિજોરી કાપી ૨૦ કરોડથી વધુના હીરા-રોકડની ચોરી, CCTV-DVR પણ લઈ ગયા
કેવી રીતે બની ઘટના
જ્યારે કિન્નરો બહાર ગયા હતા, ત્યારે ચોરોએ ઘરના છતનું પતરું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. સવારે જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે જોયું કે ઘરમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી પૈસા અને દાગીના ગાયબ હતા. આ ઘટના પછી કિન્નરોએ સાયલા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
દક્ષા દેએ પોલીસને લેખિતમાં ચોરીની ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે પોલીસને કહ્યું કે આ પહેલાં પણ તેમના ઘરમાં ચોરી થઈ છે અને આ ચોરોને ઝડપીને તેમની વસ્તુઓ પાછી અપાવવામાં આવે. સાયલા અને તેની આસપાસના વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બને છે, પરંતુ મોટાભાગના ચોરો પકડાતા નથી. આ કારણે સ્થાનિક લોકોમાં ચોરોનો ડર સતત વધી રહ્યો છે.