સુરેન્દ્રનગર

કાર બની કાળ: સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં પડી, બે મિત્રોના મોતથી પંથકમાં અરેરાટી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગલાંટ મારીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી ધ્રાંગધ્રા આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત સમયે કારમા સવાર ચારેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેની મદદથી તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારણે ધાંગધ્રા સૈનિક સોસાયટીમાં રહેતાા ક્રિપાલસિંહ ઝાલા ઉંમર 48 વર્ષ અને ધાંગધ્રા દેશાઈ ફળીમા રહેતા બોનિલભાઈ દેસાઈ ઉંમર 25 વર્ષ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતક બંને યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

ચારેય મિત્રો હોટેલમાં જમવા ગયા હતા, જે જમીને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ ઝાલા અને બળવંતસિંહ બંને પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બે પોલીસ અને એમના બે મિત્રો ધર્મડ ગામ પાસેથી હોટેલથી જમીને ધ્રાંગધ્રા પરત થતા હાઇવે પર હરિપર ગામ પાસે પોતાની સ્વિફ્ટ કાર વચ્ચે જાનવર આડું આવતા ગાડી પર કાબુ ગુમાવતા પલટી મારી જઈ નીચે ખાડામાં પડી ગઈ હતી.

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા}

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button