સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં માનવતા મહેકી: 181 અભયમ હેલ્પલાઈન ટીમે નિઃસહાય માતા અને બાળકીને આશ્રય આપ્યો…

સુરેન્દ્રનગર: જિલ્લામાં થાનગઢ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી એક મહિલા અને તેની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

નાની બાળકી સાથે ભટકી રહી હતી મહિલા
એક અજાણી અસ્થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે મૂંઝાયેલી હાલતમાં વરસાદમાં આમથી તેમ ભટકી રહી હતી. એ જોઈને સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ ટીમને જાણ કરી હતી. ફોન આવતાની સાથે જ ૧૮૧ ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મહિલા પાટણના વતની
મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું હતું. તેણીને ૧૨ મહિનાની એક દીકરી છે અને હાલ તેઓ ગર્ભવતી છે અને હાલ તેનું કોઈ ઘર નથી, કોઈ સગાં-સંબંધી નથી તેવું જણાવ્યું હતું. તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ જણાતા હતા.

પીડિત મહિલાને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી, ૧૮૧ની ટીમ દ્વારા તેઓને થાનગઢથી સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, પીડિતાને ટૂંકા અને લાંબા ગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા અને તેની બાળકીને મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.

આ પણ વાંચો : 181 અભયમ હેલ્પલાઈન: નવ વર્ષમાં 14 લાખ મહિલાઓની મદદે આવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button