સુરેન્દ્રનગર: કાર-ડમ્પર અકસ્માતમાં 4 મહિલાનાં કમકમાટીભર્યા મોત, પંથકમાં શોક | મુંબઈ સમાચાર
Top Newsસુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: કાર-ડમ્પર અકસ્માતમાં 4 મહિલાનાં કમકમાટીભર્યા મોત, પંથકમાં શોક

સુરેન્દ્રનગરઃ રાજ્ય માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.

મળતી વિગત પ્રમાણે, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાઓના મૃત્યુ થયા હતા. જ્યારે એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ઇટાલીના થયેલા ભયાનક અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોનું મોત, ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ…

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. સામેની દિશામાંથી સુરેન્દ્રનગરથી માલવણ તરફ આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ક્ષત્રિય સમાજની ચાર મહિલાઓના ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કરૂણ ઘટનાથી ડેરવાળા ગામ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button