
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા ખાતે ટૂંક સમયમાં જ અદ્યતન એનિમલ હોસ્પિટલનું નિર્માણ થશે. 2 એકર જમીનમાં આશરે રૂ. 7.50 કરોડના માતબર ખર્ચે આકાર લેનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ઓગસ્ટ મહિનામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણથી સુરેન્દ્રનગર અને આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં પશુઓની સારવારની સુવિધાના અભાવે અકાળે મૃત્યુ પામતા હજારો અબોલ જીવોને નવજીવન મળશે.
પશુઓ માટે હવે આવી સુવિધાઓ
આ એનિમલ હોસ્પિટલમાં ઓપરેશન થીએટર, આઈસીયુ, એક્સ-રે, યુજીસી અને ફિઝિયોથેરાપી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સાયલા અને આસપાસના વિસ્તારમાં પશુ સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ અકસ્માત કે બીમારીના કારણે અનેક અબોલ જીવો મૃત્યુ પામે છે. આ નવી હોસ્પિટલ દ્વારા આવા જીવોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવશે. સાયલા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલમાં 1,000 જેટલા પશુઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રોજેકટ માટે કુલ રૂ. 7.50 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ પૈકી હાલ રૂ. 1 કરોડનું અનુદાન મળી ચૂક્યું છે અને ઓગસ્ટ મહિનાથી પ્રથમ ફેઝનું કામ શરૂ કરાશે.
આ પણ વાંચો…સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.35 કરોડના દારૂ આઠ બૂટલેગર પકડાયાઃ પાંચ પોલીસ સસ્પેન્ડ!