લીંબડીના જાખણ ગામ નજીક હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરઃ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યમાંથી વધુ એક વખત દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. લીંબડીના જાખણ ગામ નજીક હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી એસએમસીની ટીમે 55.47 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે 28 હજાર નંગ વિદેશી દારૂની બોટલ, મોબાઈલ, કન્ટેનર અને ઊનની બોરી મળીને કુલ રૃપિયા 84.69 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સને ઝડપી પાડી છ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતાં લીંબડી નજીક જાખણના પાટિયા પાસે આવેલી રાજસ્થાન પંજાબી પવન ઢાબા હોટલના કંપાઉન્ડમાં પાકગમાં પાર્ક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરીને કન્ટેનર ચાલક હરદયાલ નારાયણસિંહ રાવત તથા ભૂપેન્દ્ર નિમસિંહ રાવતને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો : ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે સતત ચોથી વાર નંબર 1
પોલીસે કનેન્ટેનરમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 28,744 બોટલ, કન્ટેનર, ૩-મોબાઈલ, ઊનની બોરીના 410 બાંચકા તથા રોકડા રૂ.1900 મળીને કુલ રૂ 84,69,992નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે બંને શખ્સોની પૂછપરછ કરી હતી.
થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે બારડોલીમાંથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગની ટીમે બાતમીના આધારે ડ્રગ્સની દાણચોરીને લઈને શહેરમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાંથી કુલ 1.16 કરોડ થી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. ડ્રગ્સની દાણચોરી કરનાર 1 શખ્સની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય 3 લોકો ફરાર થયા હતા.