સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ
![](/wp-content/uploads/2024/05/students-exams-generic-650-thinkstock_650x400_61429633551.webp)
સુરેન્દ્રનગરઃ સ્કૂલમાં બાળકોને શિસ્તમાં રાખવા માટે શિક્ષકો અને આચાર્ય ક્યારેક ટપલી મારે કે નાની અમથી સજા આપે તે સમજી શકાય, પરંતુ બાળકને ઢોરમાર મારવો તે તેના શરીર અને મન માટે ગંભીર પરિણામો લાવે છે. સુરેન્દ્રનગરમાં આવો એક બનાવ બન્યો છે, જેમાં સંતાનને સ્કૂલમાંથી આ રીતે લગભગ ઘાયલ થયેલો આવેલો જોઈ હેબતાઈ ગયેલા માતા-પિતાએ અંતે પોલીસનું શરણું લીધું હતું.
ઘટના સુરેન્દ્રનગરના થાનની શાળા નંબર-9ની છે. શાળાના આચાર્ય મિતેશ વાઘેલા દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતા ક્રિષ્ના ગેડિયાને માર મારવામાં આવ્યો હતો. જયારે સાંજે શાળાએથી પરત આવતા કંઈ બોલતો ન હતો અને ઓશિયાળો થઈને બેઠો હતો. થોડીવાર પછી તેના પિતા ઘરે આવતા માતા-પિતાએ પૂછતા તે રડવા લાગ્યો હતો અને શાળાના આચાર્ય મીતેશ વાઘેલાએ કોઈ વાંક ન હોવા છતાં સ્ટીલની પાઈપથી માર માર્યો હોવાનું જણાવ્યુ હતુ. સ્ટીલની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને પીઠમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરઃ કોટડા ગામનો યુવક તમિલનાડુમાં નૌ સેનામાં ફરજ બજાવતી વખતે શહીદ, પત્ની છે સગર્ભા
સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્યએ માર મારતા પરિવારે રોષ વ્યકત કર્યો હતો. આ મામલે થાન પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હોવના અહેવાલો છે. તેમજ પરિવાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી. . બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ. ટી. ગઢવી ચલાવી રહ્યા છે.