સુરેન્દ્રનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગર: પોલીસે લખતર તાલુકાના દેવળીયા ગામમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખેડૂતોને સબસિડીમાં મળતું યુરિયા ખાતર બારોબાર કોમર્શિયલ થેલીઓમાં ભરીને કાળાબજારમાં ફેક્ટરીઓને વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. એસ.ઓ.જી.ના પી.આઈ. બી. એચ. શીંગરખીયાને બાતમી મળી હતી કે, લખતરના દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા હેઠળના ગોડાઉનમાં અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણા સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને તેને કોમર્શિયલ ઉપયોગ માટેની કોથળીઓમાં પેક કરી રહ્યા છે, જે ત્યારબાદ કાળા બજારમાં ફેક્ટરીઓને વેચવાનું આયોજન છે. બાતમીના આધારે SOG ટીમે તુરંત દરોડો પાડ્યો હતો.

પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી ખેડૂતોને આપવાના યુરિયા ખાતરને કોમર્શિયલ થેલીઓમાં પેકિંગ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ ₹૧૯,૮૦,૦૮૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્રવૃત્તિમાં ગોડાઉન માલિક ક્રિપાલસિંહ રાણા, મજૂરો લાવનાર દિવ્યરાજસિંહ રાણા, મુખ્ય સંચાલક અજયસિંહ રાણા અને કાળાબજારમાં જથ્થો વેચવા માટે ટ્રક મોકલનાર પરાગભાઈ સહિત અન્ય ઇસમો પણ સામેલ છે. એસ.ઓ.જી. દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ ૧૨ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો : મોરબીના હળવદમાં ઢોંગી ભૂવાનો પર્દાફાશ: 10 વર્ષથી સંતાનપ્રાપ્તિના નામે ફેલાવતો હતો અંધશ્રદ્ધા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button