સુરેન્દ્રનગર-દૂધરેજ બ્રિજ બંધઃ ડાઇવર્ઝનને કારણે સ્થાનિકો પરેશાન, સરકારની ઉદાસીનતા પર રોષ | મુંબઈ સમાચાર

સુરેન્દ્રનગર-દૂધરેજ બ્રિજ બંધઃ ડાઇવર્ઝનને કારણે સ્થાનિકો પરેશાન, સરકારની ઉદાસીનતા પર રોષ

સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન નબળી સ્થિતિ જણાઈ આવેલા અનેક પુલો પર આંશિક રીતે મોટા વાહનોને પસાર થવા કે સમગ્ર વાહન વ્યવહાર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર શહેર અને દૂધરેજને જોડતા નર્મદા કેનાલ પરના આશરે 20 વર્ષ જૂના બ્રીજ પરથી મોટા વાહનો માટે પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિકો અને ધ્રાંગધ્રા તરફના સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેર અને દૂધરેજ ગામને જોડતા ધ્રાંગધ્રા હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલા બ્રીજને ચકાસણી બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જાહેર કરીને પુલોના નવીનીકરણ/રિપેરિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ જાહેરનામાની અમલવારી બાદ આજદિન સુધી સરકાર દ્વારા પુલના રિપેરિંગનું કામ શરુ કરવામાં આવ્યું નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પરના વધુ 3 પુલ કરાયા બંધ, વૈકલ્પિક રસ્તા જાહેર!

દૂધરેજ કેનાલ પર આશરે 20 વર્ષ પહેલા બનેલા પુલ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકતા ભારે વાહનો માટે 2 કિમીનું ડાયવર્ઝન આપવામાં આવું છે. આ ડાયવર્ઝન આપ્યાને 18 દિવસ થઇ ગયા હોવા છતા હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી.

આ પ્રતિબંધને કારણે ધ્રાંગધ્રાથી આવતાં ST બસના કેટલાક મુસાફરોને આ જર્જરિત પુલ ઉપરથી પગપાળા પસાર થવા મજબૂર બનવું પડે છે. કારણ કે એસટી બસમાં જેનું ભાડુ 37 થતું હોય તેને બદલે ખાનગી વાહન ચાલકો ૫૦ રૂપિયા જેટલા વસૂલે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ડાયવર્ઝનને કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ, શ્રદ્ધાળુઓને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે ટીબી હોસ્પિટલના દર્દીઓને સામે કાંઠેથી આવવા માટે વધુ ભાડું ચુકવવું પડે છે, તો વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે. તે ઉપરાંત દૂધરેજ વડવાળા મંદિર તરફ જતાં શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button