સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગઃ 50 હજાર કિલોથી પણ વધારે મગફળી સ્વાહા
સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવે ખરીદી કરેલી મગફળીનો જથ્થો હતો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મુકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં અંદાજે 50 હજાર કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો…ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, જાણો શું છે મામલો
થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે
આ ઘટનાની જાણ થતા થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી છે. ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને બે શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી છે. બે કલાકની ભારે જહેમત બાદ મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યુ છે. થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા છે.
આ પણ વાંચો…ભાજપે જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં કોની કરી નિમણૂક
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.