સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી: 594 ફોર્મ ભરાયા, વઢવાણમાં વિવાદના વંટોળ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 50 ગામોની સામાન્ય અને 173ની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 594 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, પરંતુ વઢવાણના નગરા ગામે મહિલા ઉમેદવારને ફોર્મ ભરવામાં અડચણનો આક્ષેપે રાજકીય ગરમાવો સર્જ્યો. આ ચૂંટણીમાં 1.91 લાખથી વધુ મતદારો 22 જૂને 295 બૂથ પર મતદાન કરશે.

જિલ્લાની 223 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર થઈ, જેમાં 50 સરપંચ પદો માટે 123 અને 223 વોર્ડ સભ્ય પદો માટે 471 ફોર્મ ભરાયા. મંગળવારે ફોર્મની ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે. 22 જૂને 99,433 પુરુષ અને 92,462 મહિલા મતદારો મતદાન કરશે. 50માંથી 22 ગ્રામ પંચાયતોમાં મહિલા અનામત, 14માં સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ અને 7માં બિન-અનામત સામાન્ય રોટેશન છે. વઢવાણના બલદાણા, વડોદ, ટીંબા, દેદાદરા સમરસ થયાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ બાકી છે.

આપણ વાંચો:  આવતીકાલે રેલવેના કામકાજને લીધે આ ટ્રેનોને થશે અસરઃ જાણી લો

લખતર તાલુકા સિવાય અન્ય 9 તાલુકામાં ચૂંટણી યોજાશે. વઢવાણના નગરા ગામે મહિલા ઉમેદવાર રમાબેન ગઢવીએ આરોપ લગાવ્યો કે તાલુકા પંચાયતના આગેવાન ઘનશ્યામભાઈ વસેલીયાના ઈશારે તેમને ફોર્મ ભરવા દેવાયા નહીં. સીસીટીવી ચેક કરવા પોલીસ બોલાવાઈ, પરંતુ કેમેરા ન હોવાથી વિવાદ વધ્યો. જણાવી દઈએ કે, ચૂંટણીમાં 2,060 કર્મચારીઓ, 45 અધિકારીઓ અને 778 મતદાન પેટીઓ સાથે ગુલાબી (સરપંચ) અને સફેદ (સભ્ય) બેલેટ પેપરનો ઉપયોગ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button