સુરેન્દ્રનગર

રેતીચોરોએ સરકારી કર્મચારીઓને માથે ડમ્પર ચડાવી દેવાની આપી ધમકી

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વિનયભાઈ ડોડીયા (ખાણ ખનીજ વિભાગ, માઈન્સ સુપરવાઈઝર, સુરેન્દ્રનગર) તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તથા જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા.

આ પણ વાંચો : રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક

તપાસ દરમિયાન, નાના કેરાળા ગામ પાસે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું જોવા મળ્યું હતું. ત્યાં એક સફેદ ડમ્પર (નંબર પ્લેટ વગરનું) અને એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા.
ટીમને જોઈને વાહનચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો હતો. ડમ્પર ચાલકે વાહન ઉભું રાખ્યું, પરંતુ લોડરચાલક લીંબડી હાઈવે શેડ તરફ ભાગી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમારને ડમ્પર પાસે ઉભા રાખી, બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ત્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો અને આગળ જઈને ઉભો રાખ્યો હતો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામનો હોવાનું જણાવી, ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું હતું. તેણે ચાવી પાછી આપવા ધમકી આપી અને ગાળો ભાંડી હતી. તેણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે જો તે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દીધું હોત.

આ પણ વાંચો : ગેરકાયદેસર રેતી ખનન પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકાર ડ્રોન આધારિત સર્વેક્ષણ

વિનયભાઈએ તરત જ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને 100 નંબર પર ફોન કર્યો હતો. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button