ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ₹ 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો…

સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. જેને લઈને એસએમસીની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં 1000 જેટલી વિદેશી દારૂની પેટી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે દારૂની બોટલ, પીક-અપ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ દારૂ કોણે મંગાવ્યો હતો, કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી હતી.
ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની જ હોય તેમ સમયાંતરે ઘણી જગ્યાએથી મોટા પ્રમાણમાં દારૂ પકડાતો હોય છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 8596 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત પોલીસની એક વિશેષ શાખા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમ કે દારૂબંધી, જુગાર, ગેરકાયદેસર હથિયારો, ડ્રગ્સ અને અન્ય સંગઠિત ગુનાઓ પર નજર રાખવા અને તેને રોકવા માટે કામ કરે છે. તે રાજ્યવ્યાપી ધોરણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.