સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ફરી એક વખત કાયદા અને કાનૂનની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર મચી ગઈ હતી. ધાંગ્રધા બાયપાસ રોડ પર આવેલા પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના બની હતી.

ફાર્મ હાઉસના દરવાજાને કારની ટક્કર પણ મારવામાં આવી હતી. ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ફાર્મ હાઉસ પર દોડી ગયો હતો. પોલીસે આ શખ્સોએ અંગત અદાવત કે અન્ય કારણોસર ફાયરિંગ કર્યું તેની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…અમરેલીઃ બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ, 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
આઈ કે જાડેજાનું પૂરું નામ ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજા છે. તેમનો જન્મ 17 નવેમ્બરના રોજ ધાંગધ્રા ગામે થયો હતો. તેમણે વર્ષ 1979માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Sc કર્યું છે. તેમજ વર્ષ 1982માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. વર્ષ 1988માં ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીમાં ડિપ્લોમા કર્યું છે. તેમની પત્નીનું નામ ભીક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા છે. તેમને ત્રણ સંતાનો – બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રીનું નામ દિપ્તી અને ભૂમિકા છે તથા પુત્રનું નામ અજયરાજસિંહ જાડેજા છે. આઈ કે જાડેજા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને એક ક્ષત્રિય નેતા છે.