સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની ખાણમાં લોડર સાથે ખાબકેલા યુવકનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો

સુરેન્દ્રનગર: જિલ્લામાં મુળીના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે યુવાન ખાબક્યો હતો, જેના મૃતદેહને ૩૬ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ચોટીલા પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને રાજકોટ ફાયર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
મળતી વિગતો અનુસાર અજયભાઈ કાનાભાઈ બાહકિયા (ઉં.વ. 20, રહે. ધોળિયા, હાલ રહે-વગડીયા) ખાખરાળીના સરકારી સર્વે નંબર 309વાળી જમીનમાં સેન્ડ સ્ટોન/ફાયર કલે ભરી રહ્યો હતો.
આપણ વાંચો: અમદાવાદની મેડિકલ કોલેજોમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો! એનાટોમીના અભ્યાસ માટે મૃતદેહોની અછત
મૃતક યુવક 6 ઓગષ્ટના રોજ બપોરના સમયે અજયભાઈ લોડર સાથે કૂવામાં પડી ગયો હતો. તે છેલ્લા ચારેક માસથી અહી કામ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાસ્થળે 150 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ખાડો હતો અને લોડર અંદર જઈને વળી ગયું હતું. આથી યુવક પણ લોડર નીચે દબાઈ ગયો હતો.
આ બનાવ અંગેની જાણ થતાની સાથે ચોટીલા પ્રાંત અધિકારી, મામલતદાર તેમ જ રાજકોટ અને સુરેન્દ્રનગરની બે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, આ કામગીરીમાં બીએસએચ, બોડી હારનેશ, કેમેરા અને હુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જો કે આ કૂવો માત્ર 15થી 20 ફૂટ જ પહોળો હોય અને લોડર અંદર વળી જતાં કામગીરી મુશ્કેલ બની હતી. લોડરને ક્રેનથી ખેંચવા જતાં 2 વખત હુક તૂટી ગયા તેમ જ કૂવામાં 30 ફૂટ પાણી હોવાથી લોડરમાંથી ઓઇલ અને ડીઝલ લીક થવાનું શરૂ થઈ જતા પાણીની સપાટી ઉપર આવી ગયું હતું. આના કારણે કેમેરાથી અંદરની સ્થિતિનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો હતો.