સુરેન્દ્રનગરમાં કાળા જાદુની શંકાએ આખા પરિવારનો છ મહિનાથી બહિષ્કાર

સુરેન્દ્રનગર: આજના એકવીસમી સદીના યુગમાં પણ અંધશ્રદ્ધાના અનેક બનાવો બનતા રહે છે, ટેકનોલોજી અને શિક્ષણના યુગમાં પણ આવા બનાવો અટકી રહ્યા નથી. ત્યારે આવો વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવ્યો છે. જેમાં ચોટીલા તાલુકાના કાબરણ ગામમાં પાડોશમાં રહેતા એક પરિવારે અંગત દુશ્મનીના કારણે પાંચ સભ્યોના એક પરિવાર પર ‘ડાકણ’ હોવાનો ખોટો આરોપ મૂકીને તેમનો છેલ્લા છ મહિનાથી સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાબરણ ગામમાં જ રહેતા સામતભાઈ પરમાર અને તેમની પત્ની હેમુબેને જાહેરમાં તેને વળગાડ હોય તેવું નાટક કર્યું હતું અને દાવો કર્યો કે આ વળગાડ પરિવારના હમીરભાઈ ચાવડા અને તેમની પત્નીએ કરેલા કાળા જાદુ અને ખરાબ નજર ના કારણે આવ્યો છે. આ ખોટા આરોપ બાદ હમીરભાઈ ચાવડા અને તેમના પત્નીને ‘ડાકણાં’ કહીને ગામમાં તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
છેલ્લા છ મહિનાથી ચાવડા પરીવાર સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા હતા, જો કે અંતે તેમના સબંધીઓએ તેમને અંધશ્રદ્ધા સામે લડતા NGO, ભારત જન વિજ્ઞાન જાથાની મદદ લેવાની સલાહ આપી હતી અને પીડિતે NGOના વડા જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો, આ મામલે એનજીઓએ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. બાદમાં તેઓ નાની મોલડી પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લઈને કાબરણ ગામ પહોંચ્યા હતા અને સામતભાઈ પરમાર અને તેમની પત્ની હેમુબેન સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
એનજીઓના વડાએ ગામના આગેવાનોની હાજરીમાં પરમાર દંપતીને ચાવડા પરિવારના બંને સભ્યો કાળો જાદુ કરતાં હોય તેના પુરાવા રજૂ કરવા કહ્યું હતું, જો કે અંતે તે કોઈ જ પુરાવા આપી શક્યા નહોતા અને તેમના આરોપો ખોટા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં તેઓને નાની મોલડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે પોલીસ અને એનજીઓની સમક્ષ પરમાર દંપતીએ અંગત દુશ્મનીના કારણે ચાવડા પરિવાર પર ખોટા આરોપો મૂક્યા હતા અને ‘વળગાડ’ની આખી વાર્તા પોતે ઊભી કરી હોવાનું કબૂલ્યું હતું.
આ પણ વાંચો…સુરેન્દ્રનગરના રળોલ ગામ નજીક આઈસર- ઈકો કાર અથડાતા લીંબડીના વેપારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ