બોટાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં આપ યોજશે કિસાન મહાપંચાયત, કેજરીવાલ-ભગવંત માન ગજવશે સભા | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

બોટાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં આપ યોજશે કિસાન મહાપંચાયત, કેજરીવાલ-ભગવંત માન ગજવશે સભા

સુરેન્દ્રનગર: તાજેતરમાં કળદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલા ખેડૂત આંદોલન અને હડદડ ગામની ઘટના બાદ હવે આમ આદમી પાર્ટી ફરીથી ખેડૂતોના મુદ્દા પર અવાજ ઉઠાવવાની તૈયારી કરી છે. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુદ્દાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી (AAP)એ મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા આગામી 31મી ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજરી આપશે, તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાતના અન્ય ટોચના નેતાઓ પણ આ કિસાન મહાપંચાયતમાં ભાગ લેશે.

આ મહાપંચાયતમાં ખેડૂતોને લગતા મુખ્ય મુદ્દાઓ જેવા કે પાકના પોષણક્ષમ ભાવો, દેવા માફી, વીજળી અને સિંચાઈના પ્રશ્નો, અને જમીન સંપાદન સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ‘આપ’નો આ કાર્યક્રમ ખેડૂત મતદારોને આકર્ષિત કરવાના અને રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી કળદા પ્રથાના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપ સરકાર મહાપંચાયતને રોકવા માટે દમનકારી વલણ અપનાવી રહી હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો છે. પોલીસે AAP ના અનેક નેતાઓ અને કાર્યકરોને ડીટેઈન અથવા નજરકેદ કર્યા હોવાનો આરોપ પણ આપના નેતાઓએ કર્યો હતો. ત્યારે હડદડ ગામે મળેલી ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપ અને પોલીસ પર ચોંકવાનારા આક્ષેપ કર્યા હતા.

ભાજપે પોલીસનો દુરુપયોગ કર્યો
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ‘કળદા પ્રથા’ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ખેડૂતો પર હડદડ ગામમાં પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. AAP એ આ ઘટનાના વિરોધમાં આજના દિવસને ‘કાળો દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. AAP ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ આ ઘટનાને “નિંદનીય” ગણાવી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હડદડ ગામમાં જે થયું તે નિંદનીય ઘટના છે. ગુજરાતમાં ભાજપે પોલીસનો દુરુપયોગ કરી વારંવાર વિરોધી અવાજને દબાવવાની કોશિશ કરી છે તેવો લાંબો ઇતિહાસ છે.”

આપણ વાંચો:  ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button