સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પરના વધુ 3 પુલ કરાયા બંધ, વૈકલ્પિક રસ્તા જાહેર!

સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજ્યના અનેક પુલ પર વાહન વ્યવહાર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટદ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.આ જાહેરનામું પુલોના નવીનીકરણ/રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
જાહેરનામાં અનુસાર સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ મોરબી શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ બન્ને પુલ પર પ્રતિબંધ મુકવામાં આવતા તેના વૈકલ્પિક રસ્તા તરીકે નાના વાહનો માટે – ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી ચમારજ ગામ થઈ દૂધરેજ વડવાળા મંદીરથી દૂધરેજ વટેશ્વર વન પાસે થઈ કેનાલ વાળા રોડથી સુરેન્દ્રનગર તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર નર્મદા કેનાલનું નાળુ આવેલ છે. જે નાળા પરથી ધ્રાંગધ્રા તરફ જતાં રસ્તાની વચ્ચે ડાબી બાજુ ખોડુ ત્રણ રસ્તા થઈ દૂધરેજ વડવાળા મંદિરથી ચમારજ થઈ ખમીસણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
મોટા તથા માલવાહક વાહનો માટે – ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી દાણાવાડા ગામ, ગોદાવરી ગામ, શેખપર થઈને સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે શેખપર ગામથી ગોદાવરી ગામ, દાણાવાડા થઈને ખમીસણા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આપણ વાંચો: પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ
સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સુ.નગર સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર આવેલી સાંકળ ૧૦૨.૦૯૦ કિ.મી. પર આવેલ પુલ પર ફક્ત ભારે-મોટા માલવાહક વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રસ્તા તરીકે, ૧) ધ્રાંગધ્રા તરફથી આવતા મોટા વાહનોને સુરેન્દ્રનગર, લીંબડી, મુળી, ચોટીલા, રાજકોટ તરફ જવા માટે ધ્રાંગધ્રાથી કોંઢ, સરા, સરલા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૨) મુળી, ચોટીલા, રાજકોટ તરફથી આવતા મોટા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે મુળી, સરલા, સરા, કોંઢ થી ધ્રાંગધ્રા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૩) સુરેન્દ્રનગર, લીંબડી તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા તરફ જવા માટે ગેબનશાહ સર્કલથી લખતર, વણા, માલવણ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.