સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલઃ હનીટ્રેપ – ડિજિટલ એરેસ્ટ પર થશે રિસર્ચ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવા સત્રની શરુઆતથી ડિજિટલ એરેસ્ટ-હનીટ્રેપ રિસર્ચનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો ડિપ્લોમાં કોર્સનો અભ્યાસ કરી શકશે. આ સિવાય ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હનીટ્રેપ પર રિસર્ચ કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ ઍન્ડ સાયબર સિક્યુરિટી લોનો નવો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓ અને તેની મોડેસ ઓપરેન્ડીનુ ડેટા એનાલિસિસ કરી સંશોધન કરશે. જેમાં સાયબર ક્રાઇમની સમજ, મનોવૈજ્ઞાનિક તકનીક, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઇન બેન્કિંગ-મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ, કોમ્પ્યુટર-લેપટોપ પર વાયરસ એટેક, સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ, બચવા માટેના ઉપાયો પર અભ્યાસ થશે.
આ પણ વાંચો: આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ; ડો.ઉત્પલ જોશીની નિમણૂક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનનાં અધ્યક્ષના કહેવા પ્રમાણે, મને ગત વર્ષે સાયબર સિક્યુરિટી ક્લબ અંતર્ગત કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માનવ અધિકારી અને સાયબર ગુનાઓ સબંધિત પી.જી. ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિકયુરિટી લોનો અભ્યાસક્રમ શરૂ કરી. કુલપતિ ડો. ઉત્પલ જોશી એ વર્ષ 2025-26 થી આ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનમાં સાયબર સિક્યુરિટીનો નવો કોર્સ શરૂ કરવામાં આવશે. આ એક વર્ષના કોર્ષમાં પ્રથમ સેમેસ્ટરમાં 2 વિષયોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બીજો વિષય બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ લઘુશોધ નિબંધ રજૂ કરવાનો રહેશે. સાયબર ક્રાઈમના અધિકારીઓને એક્સપર્ટ તરીકે લેક્ચરમાં પણ બોલાવવામાં આવશે. આ કોર્ષના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પોલીસ મથકની પણ મુલાકાત લેવડાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓની તપાસની કાર્યવાહી કઈ રીતે થાય છે તે અંગ માહિતી મળી રહેશે. આ નવા કોર્સમાં પ્રથમ તબક્કે 15 સીટો પર પ્રવેશ અપાશે.
આ પણ વાંચો: સમાજમાં વૃદ્ધ માતાપિતાની માનસિક સ્થિતિ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો સર્વેઃ જાણો ચોંકાવનારા તારણો
સાયબર ક્રાઇમ અંગે આંકડાકીય માહિતી ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહેશે. જેની વાર્ષિક ફી રૂ. 12,000 રાખવામાં આવશે. જીસીએએસ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ)ના માઘ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓનો રસ વધુ હશે તો વધુ સીટોની માંગણી કરવામાં આવશે. આ કોર્સમાં 75 ટકા હાજરી ફરજિયાત રહેશે.