સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 200 વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું…

રાજકોટઃ રાજકોટમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને નશાકારક પદાર્થોનું સેવન અને વેચાણ કરતા હોવાની ફરિયાદો બાદ ગૃહ વિભાગ હરકતમાં આવ્યું હતું.
અમદાવાદ નાર્કોટિક્સ વિભાગની ટીમે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને 200 જેટલા વિદેશી વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
મોરબી રોડ પર આવેલી મારવાડી અને દર્શન યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા આફ્રિકાના વિદ્યાર્થીઓ પર લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો લાગી રહ્યા હતા.
સ્થાનિક ગ્રામજનો અને સોસાયટીના રહેવાસીઓએ આ વિદેશી વિદ્યાર્થીઓ સાથે અવારનવાર થતી માથાકૂટ અને ઘર્ષણ અંગે સ્થાનિક પોલીસ અને ગૃહપ્રધાનને સીધી ફરિયાદ કરી હતી, જેના પગલે ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા.
ગૃહ વિભાગના આદેશ બાદ, અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોની ટીમ રાજકોટ પહોંચી હતી. પોલીસની 10 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ રતનપર, હડાળા, ગવરીદડ અને માધાપર જેવા વિસ્તારોમાં ભાડે રહેતા વિદેશી વિદ્યાર્થીઓના પાસપોર્ટ, વિઝા અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
આ પણ વાંચો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલઃ હનીટ્રેપ – ડિજિટલ એરેસ્ટ પર થશે રિસર્ચ