સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરોએ માર્ગ દુરસ્તીકરણ અભિયાનનું નિરીક્ષણ કર્યું

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ એ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંબંધિતોને કામો સત્વરે પૂરા કરવા સૂચનાઓ આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે જિલ્લાના મુખ્ય પુલોનું સઘન નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. આ ઉપરાંત માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમે સુરેન્દ્રનગર -દુધરેજ-વણા-માલવણ- પાટડી- દસાડા -બેચરાજી રોડ પર આવેલા બજાણા મેજર બ્રિજ, પાટડી -બ્રિજ, વણા મેજર બ્રિજ, ફુલ્કી -પાટડી-ખારાઘોડા-ઓડું રોડ, લખતર-શિયાણી-લીંબડી રોડ પર તલવાણી બ્રિજની મુલાકાત કરી પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, પિયર્સ, ક્રેક ચેકિંગ, જમીન ધોવાણ તથા પાણીની પસાર થતી જગ્યા (ક્લિઅરન્સ)ના આધારે ફિઝિકલ ચકાસણી, પુલની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી કલેકટર કિરણ ઝવેરીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને રોડ તથા પાણીના પ્રશ્નો જાણ્યા અને ત્વરિત નિરાકરણ માટેના સૂચનો કર્યા હતા. મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબીના ઝોન ચારની મુલાકાત લઈને રોડ રસ્તાની મરામત, ગટરની સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઝોન ચારમાં સમાવેશ વિદ્યુત નગર, રચના સોસાયટી, ગોપાલ સોસાયટી, અરુણોદય નગર, નિત્યાનંદ રોડ, શિવમ પાર્ક વગેરેની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જિલ્લાના વિવિધ બ્રિજોની મુલાકાત લીધી હતી. જામનગર-લાલપુર-પોરબંદર રોડ પર માઈનોર બ્રીજ, કલ્યાણપુર-ચુર-ભાડથર રોડ પર આવેલ માઈનોર બ્રીજ, બેહ-વડત્રા રોડ પર આવેલ માઈનોર બ્રીજની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન તેમજ સલાહ સૂચન કર્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલ રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.જિલ્લાના માણાવદર તાલુકામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર અને ટેકનિકલ સ્ટાફ સાથે વોર્ડ નંબર ૭ અને ૧૦ માં આવેલ જર્જરિત મકાનો ,ભવનાથ વિસ્તારમાં અસરગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર પોપડા પડવાના વાયરલ વીડિયો અંગે એન્જિનિયરને સ્પષ્ટતા કરવી પડી, જાણો શું કહ્યું?

પોરબંદર મહાનગર વિસ્તારના રસ્તા અને ગટરના કામો અંગે કમિશનર એચ જે પ્રજાપતિએ ટેકનિકલ સ્ટાફ અને સંસાધનો સાથે રાજીવનગરમાં કામગીરી શરૂ કરાવી નિરીક્ષણ કર્યું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત સોળ રસ્તામાંથી ૧૦ રસ્તા ની કામગીરી પૂર્ણ થઈ છે. રાણાવાવ વિસ્તારમાં આજે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી.

ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ.એન.કે.મીણાએ ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલની મુલાકાત લઈ પુલોનું સમારકામ અને માર્ગોની સ્થળ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયે બોટાદ તાલુકાના પુલોનું સબંધિત વિભાગની ટેક્નિકલ ટીમ સાથે મુલાકાત લીધી હતી, તેમજ જરૂર જણાયે પુલોના સમારકામ,પુનઃનિર્માણ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરેએ પાળીયાદ ગોમા નદી પરનો પુલ,રાણપુર સુભાદર નદી પરનો પુલ, કેરીયા ઢાળ પાસેના પુલની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: બોચાસણથી સાળંગપુર જતી કાર રાણપુરમાં કોઝવેમાં તણાઈ! 2નાં મોત, એક સ્વામી લાપતા

અમરેલી કેરિયાચાડ રોડ પરના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ પાસે શત્રુંજી નદી પરના ૧૪૦ મીટર લાંબા અને ૮ મીટર પહોળા કેરિયાચાડ મેજર બ્રિજનું નિરિક્ષણ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરીએ કર્યું હતુ. કલેકટર વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગ અને બ્રિજના સમારકામની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી.

ગીર સોમનાથ કલેકટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લામાં આવેલા વિવિધ પુલની મુલાકાત લઈને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના કોડીનાર તાલુકાના ૧૧ પુલોનું ડિઝાઈન સર્કલના અધિકારીઓની ઉપસ્થિતિમાં નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સવની એપ્રોચ રોડ પર પેચવર્કની તેમજ જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button