સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદઃ 80 ટકા વાવેતર થયું

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં 40 ટકા અને રાજ્યમાં એકંદરે 39 ટકા વરસાદ વરસી ગયો છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસંગ્રહ વધીને 58 ટકાએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આ વર્ષે વહેલી વાવણીથી અત્યાર સુધીમાં 80 ટકા વાવણી થઈ ગઈ છે.

મળતી વિગત પ્રમાણે, સૌરાષ્ટ્રમાં સિઝનના સરેરાશ 30 ઈંચ સામે 12 ઈંચ એટલે કે 40 ટકા વરસાદ વરસી ગયો છે. કુલ 141 ડેમોમાં 57.57 ટકા એટલે કે 52622 એમસીજીટી જળસંગ્રહ થયો છે જે ગત વર્ષ કરતા 30,000 એમસીજીટી વધારે છે. ઉપરાંત હાલ 12 ડેમો ઓવરફ્લો થયા છે અને ખરીફ ઋતુમાં ગત વર્ષે સૌરાષ્ટ્રમાં ઓક્ટોબર સુધીમાં 37.85 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, આ વર્ષે 30 લાખથી વધુ હેક્ટર જમીનમાં બીજ રોપાઈ જવા સાથે માત્ર 20 ટકા વાવણી બાકી રહી છે.

આ પણ વાંચો: વરસાદના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો! પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 6 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે અને તેના કારણે 87 ટકાથી વધારે વાવેતરની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું 3,01,382 હેક્ટર, કપાસનું 1,16,994 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકાની દ્રષ્ટિએ મગફળીમાં ગોંડલ, જસદણમાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કપાસમાં ગોંડલ, રાજકોટ તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી ઓછું વાવેતર મઠનું એક હેક્ટર એક માત્ર જસદણમાં, રાજકોટ તાલુકામાં મકાઈનું 16 હેક્ટર, વિંછીયામાં દિવેલાનું 34 હેક્ટરમાં, જેતપુરમાં 90 હેક્ટરમાં ડુંગળી અને પડધરીમાં 30 હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે. જ્યારે જેતપુરમાં 120 હેક્ટર અને ઉપલેટામાં 35 હેક્ટર મળી કુલ 155 હેક્ટરમાં મરચી, પડધરીમાં 70 હેક્ટર અને વિંછીયામાં 101 હેક્ટર મળી કુલ 171 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 3,31,656 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આ વાવેતર પૈકી 56 ટકાથી વધુ જમીનમાં માત્ર કપાસની જ વાવણી કરવામાં આવી છે. તો 1,04,216 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button