સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ | મુંબઈ સમાચાર
Top Newsસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ

જૂનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની આક્રમક બેટિંગના કારણે અનેક જળાશયો ઓવરફલો થયા હતા. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાય હતી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 8 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત પોરબંદરમાં 10.08 ઇંચ, ગણદેવીમાં ૯.૨૧ ઇંચ, માણાવદરમાં 8.11 ઇંચ, ચીખલીમાં 7.6 ઇંચ, કુતિયાણામાં 6.93 ઇંચ, રાણાવાવમાં 6.81 ઇંચ, પરાડામાં 6.81 ઇંચ, ડોલવણમાં 6.42 ઇંચ, ખેરગામમાં 5.31 ઇંચ, મહુવામાં 5.31 ઇંચ, માંગરોળમાં 5.24 ઇંચ, તાલાલામાં 5.04 ઇંચ અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લો જળબંબાકાર થયો હતો. અત્યાર સુધીમાં સમગ્ર સિઝનનો ૯૨.૬૦% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે જિલ્લાના ૧૦ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે ખાસ તબીબી તપાસણી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

મેંદરડા તાલુકામાં ૯૭.૩૫ ટકા જેટલો વરસાદ

જૂનાગઢમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી, જેમાં ૧૦ તાલુકાઓમાં કુલ ૮૪૧૭ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મેંદરડા તાલુકામાં ૯૭.૩૫ ટકા જેટલો વરસી ચૂક્યો હતો. જિલ્લાના તમામ ૧૦ ડેમ ઓવરફ્લો થયા હતા, જેમાં ઓઝત-૨ ડેમમાં ૩૬૬૪ ક્યુસેક પાણીની આવક થતા ૦.૬૦ મીટરની સપાટીએથી વહી રહ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મેંદરડા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મેંદરડા-સમઢીયાળાને જોડતા પૂલ અને મધુવંતી નદીમાં પૂરના કારણે થયેલા ધોવાણનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે સ્થાનિક અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી માટે તત્પર રહેવા અને કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવા સૂચના આપી હતી.

ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્યતંત્ર પણ સક્રિય બન્યું હતું. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓપીડી શરૂ કરવામાં આવી હતી, જ્યાં લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી હતી. માણાવદર તાલુકામાં શેલ્ટર હોમ્સમાં આશ્રિત લોકોના મેડિકલ ચેકઅપ થયા હતા અને આરબીએસકે ટીમ દ્વારા ફિલ્ડ ઓપીડીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે, વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે દ્વારા લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘમહેર: સૂત્રાપાડામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત ઓવરફલો

Shetrunji Dam overflows for the sixth consecutive year for the first time in its 60-year history

ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીક આવેલો શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત 100 ટકા ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ જતાં 20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ૧૨.૧૫ વાગ્યે ૫૯ દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ પ્રથમ વખત, તા. ૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ બીજી વખત, તા. ૧૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત 100 ટકા ભરાયો હતો. ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી.શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

જાફરાબાદ બંદર પર 03 નંબરનું સિગ્નલ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો; જાફરાબાદ-માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ બંદરનો દરિયો તોફાની બન્યો હતો, હોવાથી અમરેલીના જાફરાબાદ બંદર પર 03 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન જાફરાબાદની બે અને ગીર સોમનાથની એક બોટ દરિયામાં ડૂબી જતાં 7 જેટલા માછીમારો ગુમ થયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ પણ 60 થી 70 જેટલી બોટ દરિયામાં હોવાથી માછીમારો સુરક્ષા અંગે ચિંતા વધારી હતી.

અમરેલી જિલ્લામાં ડેમોમાં નવા નીરની આવક

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ગામ પાસેની સૂરવો નદી પર આવેલ વડિયા સિંચાઈ યોજનાના ડેમ સાઈટ તથા ઉપરવાસમાં વરસાદ થવાથી આ ડેમ તેના ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા સપાટીએ ભરાઈ ગયો હતો અને જળાશયમાં પાણીની ધીમી આવક શરુ હોય, જળાશયના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી નીચાણ વાળા વિસ્તારના વડિયા, ચારણીયા સહીતના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી. તે ઉપરાંત ભારે વરસાદના કારણે રાજુલા તાલુકામાં આવેલ ધાતરવડી-૦૧ સિંચાઈ યોજનાની જળસપાટીમાં ધરખમ વધારો થયો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button